દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું ઃ કતવારા સહિત કેટલાક ગામોમાં હિમ વર્ષા થઈ
દાહોદ તા.૧૮
દાહોદ શહેર સહિત જિલ્લામાં આજરોજ વહેલી સવારથીજ વાદળછાયું વાતાવરણ નજરે પડતું હતું ત્યારે ઘણા ગામો તેમજ તાલુકાઓમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડતાં વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ કમોકમી અમી છાટાને કારણે ખેડુત આલમમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તફર હવામાન વિભાગ દ્વારા તારીખ ૧૮ થી ૨૧ ફેબ્રુઆરી સુધી આવું વાતાવરણ રહેશે તેવી આગાહી પણ જાહેર કરી છે.
આજ વહેલી સવારથી જ દાહોદ જિલ્લામાં ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવતાં કાળા વાદળો સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દાહોદ તાલુકાના કતવારા, બોરખેડા, લીલર, ખંગેલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડતાં લોકોમાં કુતુહલ પણ સર્જાયું હતું. એકક્ષણે આ સ્થળોએ સિમલા, મનાલી જેવો માહોલ જાેવા મળ્યો હતો. આ હિમ વર્ષાને પગલે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું તો બીજી તરફ આ કમોસમી વરસાદને કારણે ખેડુતોની ચિંતામાં વધારો કરી દીધો છે. ખેડુતોને પાકમાં પાકને નુકસાન થવાની ચિંતા ખેડુતોમાં જાેવા મળી હતી. હવે આગામી કેટલા દિવસો સુધી આવું વાતાવરણ રહેશે તે જાેવાનું રહ્યું.