આતંકીઓએ ધોળાદિવસે ભરબજારમાં પોલીસ ટીમ પર હુમલો કરતા ખળભળાટ : શ્રીનગરમાં આતંકીઓનું અંધાધૂંધ ફાયરિંગઃ બે પોલીસકર્મી શહિદ : જમ્મુ-કાશ્મીરનાં શોપિયાં અને બડગામમાં એન્કાઉન્ટર, ત્રણ આતંકીઓ ઠાર, એસપીઓ શહિદ, આતંકી સીસીટીવી કેમેરામાં કેદ, આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન ટીઆરએફે લીધી, ૨૪ કલાકમાં ૩ વખત સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ


(જી.એન.એસ.)શ્રીનગર,તા.૧૯
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના બાગત બારજુલ્લા વિસ્તારમાં આતંકીઓએ ધોળાદિવસે ભરબજારમાં પોલીસ ટીમ પર હુમલો કરી દીધો. હુમલામાં બે જવાન શહીદ થઇ ગયા છે. જાે કે હજુ તેના પર કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. એક શંકાસ્પદ પણ પકડાયો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સનસની મચી ગઇ છે.
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક આતંકી એકે-૪૭ લઇ બજારમાં ઘૂસે છે અને ત્યાં ઉભેલા પોલીસકર્મી પર પાછળથી ધડાધડ ગોળીઓ વરસાવી દે છે. ત્યારબાદ તે ત્યાંથી ભાગવા લાગ્યો. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ટીઆરએફે લીધી છે.
શ્રીનગરમાં શુક્રવારના રોજ બપોરે આતંકીઓની તરફથી કરાયેલ ફાયરિંગમાં પોલીસના બે જવાન ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. સારવાર દરમ્યાન બંનેને ડૉકટર્સે મૃત જાહેર કરી દીધા.
આની પહેલાં દક્ષિણ કાશ્મીરના બાદીગામ, શોપિયાંમાં આજે મોડી રાત્રે શરૂ થયેલી સશસ્ત્ર અથડામણમાં સવાર પડતા લશ્કર-એ-તોયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતાં. અથડામણ બાદ સુરક્ષાબળોએ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી દીધુ હતું. બડગામ જીલ્લાના જાનીગામ બીરવાહમાં ચાલી રહેલી અથડામણમાં જમ્મૂ-કાશ્મીર પોલીસના એસપીઓ શહીદ થયા હતાં જ્યારે અન્ય પોલીસકર્મી ઘાયલ થયા હતાં.
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના બડગામના હોમહિના ગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહીતી મળી હતી. જેને લઈને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોએ આખા ગામને ઘેરી લઇ તમામ ઘરની તપાસ શરૂ કરી હતી. ગામમાં આવવા-જવાના તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા હતાં.
ચારેકોરથી ઘેરાઈ ગયા બાદ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ આ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. શુક્રવારની સવાર પડતા સુરક્ષા દળોએ ૩ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
આઈજીપી કાશ્મીર વિજય કુમારે જાણકારી આપતા કહ્યું હતું કે, શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓ માર્યા ગયા હતાં. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યાં પ્રમાણે આતંકીઓ સાથે એન્કાઉન્ટરમાં ૧ પોલીસકર્મી પણ શહીદ થયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના એસપીઓ મોહમ્મદ અલ્તાફે શહાદત વ્હોરી. એક પોલીસકર્મી ઘાયલ પણ થયો છે. ઘાયલ પોલીસકર્મીનું નામ મંજૂર અહેમદ છે.
સુરક્ષાદળોએ અથડામણના સ્થળેથી ૨ એકે-૪૭ અને એક પિસ્તોલ જપ્ત કરી છે. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અથડામણને ધ્યાનમાં રાખી શોપિયા જિલ્લામાં ઈન્ટરનેટ સર્વિસ હાલ બંધ કરાઈ હતી. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ થઈ ગઈ હતી. તેઓ લશ્કર એ તૈયબાના હતા અને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે કામ કરી રહ્યા હતા.
ઘાયલ જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. માર્યા ગયેલ આતંકીઓની ઓળખ નથી થઇ શકી. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર શહીદ એસપીઓનું નામ મોહમ્મદ અલ્તાફ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: