સતત ૧૨માં દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવમાં વધારો ઃ દિલ્હીમાં પેટ્રોલ ૩૯ પૈસા મોંઘુ થયું
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૦
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ૧૨ માં દિવસે શનિવારે જાેરદાર વધારો થયો છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ ૩૯ પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. આ સાથે અહીં પેટ્રોલની કિંમત ૯૦.૫૮ રૂપિયા પર પહોંચી ગઈ છે. ડીઝલ પણ ૩૭ પૈસા વધી લિટર દીઠ ૮૦.૯૭ રૂપિયા પર પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલ ૯૭.૦૦ પર પહોંચી ગયું છે, જે મેટ્રો શહેરોમાં સૌથી વધુ છે. ભોપાલમાં એક્સપી પેટ્રોલ ૧૦૧.૫૧ રૂપિયામાં વેચાઇ રહ્યું છે. અહીં સામાન્ય પેટ્રોલની કિંમત પણ ૯૮.૬૦ રૂપિયા પર પહોંચી ગઈ છે. ડીઝલની વાત કરીએ તો, ભોપાલમાં તે પણ ૯૦ રૂપિયાની નજીક પહોંચી ગયું છે.
ભોપાલમાં ડીઝલની કિંમત ૮૯.૨૩ રૂપિયા છે. લખનઉમાં પેટ્રોલ ૮૮.૮૬ અને ડીઝલ ૮૧.૩૫ રૂપિયામાં વેચાઇ રહ્યું છે. મુંબઈમાં તે પ્રતિ લિટર ૮૮.૦૬ રૂપિયા પર પહોંચી ગયું છે. તે જ સમયે, એક લિટર ડીઝલ પટનામાં ૮૬.૨૨ રૂપિયામાં ઉપલબ્ધ છે. પેટ્રોલના ભાવ પણ અહીં ૯૨.૯૧ રૂપિયા પર પહોંચી ગયા છે. બીજી તરફ, પડોશી રાજ્ય ઝારખંડની રાજધાની રાંચીમાં પેટ્રોલ ૮૮.૦૮ અને ડીઝલ ૮૫.૬૦ રૂપિયામાં મળી રહ્યું છે. કોલકાતાની વાત કરીએ તો પેટ્રોલ ૯૧.૭૮ રૂપિયા અને ડીઝલ ૮૪.૫૬ રૂપિયા પ્રતિ લિટર પર મળે છે.
છેલ્લા ૧૨ દિવસમાં પેટ્રોલ ૦૩.૨૮ રૂપિયા મોંઘુ થઈ ગયું છે. ડીઝલ ૩.૪૯ રૂપિયા મોંઘુ થઈ ગયું છે. આ વર્ષે ફક્ત જાન્યુઆરી અને ફેબ્રુઆરીની જ વાત કરીએ તો આ દિવસોમાં પેટ્રોલ ૬.૭૭ રૂપિયા મોંઘુ થઈ ગયું છે. નવા વર્ષમાં ડીઝલ ૦૭.૧૦ રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જાેડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.