દાહોદ પરેલ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ ઃ પોસ્ટ ઓફિસ અને ઈન્ડિયન ગેસ એજન્સીના તાળા તુટ્યાં
દાહોદ તા.૨૩
દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ અને ઈન્ડિયન ગેસ એજન્સીમાં અજાણ્યા તસ્કરોએ આ બે સ્થળે ચોરી કરવાના ઈરાદે તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તસ્કરોને આ બંન્ને જગ્યાઓથી કંઈ પણ ન મળતાં વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદના પરેલ વિસ્તારમાં સ્પોર્ટ ગ્રાઉન્ડની સામે આવેલ પોસ્ટ ઓફિસ અને ઈન્ડિયન ગેસના ગોડાઉનમાં ગતરોજ મોડી રાત્રીના કોઈપણ સમયે આ બંન્ને સ્થળોએ તસ્કરોએ ત્રાટક્યાં હતાં. પોસ્ટ ઓફિસ અને ઈન્ડિયન ગેસના ગોડાઉનના તાળા તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. પોસ્ટ ઓફિસની તિજાેરી પણ તોડી નાંખી હતી જ્યારે ગેસના ગોડાઉનના પણ તાળા તોડી બંન્ને સ્થળોના સામાન વેર વિખેર કરી તસ્કરો નાસી ગયાં હતાં. જાણવા મળ્યા અનુસાર, તસ્કરોના ચોરીના નિષ્ફળ પ્રયાસની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



