લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા મુજબ પ્રથમ ફરિયાદ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ : દાહોદ જિલ્લામાં પારકી જમીન પચાવી પાડવા બદલ એક સાથે ત્રણ ફરિયાદો
જમીન માફિયાઓને નશ્યત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દાહોદ જિલ્લામાં એક જ સાથે ત્રણ ફરિયાદો નોંધાતા પારકી જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ કરતા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતા ધરાવતી લેન્ડ ગ્રેબિંગ કમિટિ દ્વારા જારી કરાયેલી સૂચના બાદ આ ફરિયાદો દાખલ કરાઇ છે.
પ્રથમ ફરિયાદ દાહોદના ટાઉન પોલીસ સ્ટેશનમાં તા. ૨૨ના રોજ અનવરખાન મહમ્મદખાન પઠાણ દ્વારા નોંધાવવામાં આવી છે. તેની ફરિયાદ એવી છે કે, અહીંના કસ્બા વિસ્તારમાં ઊર્દૂ શાળા પાસે રહેતા પાંચ શખ્સો દ્વારા સિટી સર્વે નંબર ૨૫૪૦ની ૧૩૬ ચોરસ મિટર અને સિટી સર્વે નંબર ૨૫૮૯માં ૨૩૨ ચોરસ મિટર રસ્તામાં કસરતના સાધનો મૂકી તથા દરવાજા મૂકી દબાવી પાડી છે.
બીજી ફરિયાદ ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ઝાલોદ તાલુકાના શારદા ગામના નિશાળ ફળિયામાં રહેતા ૬૨ વર્ષીય મતાભાઇ ધનાભાઇ મેડાએ નોંધાવી છે. આ એફઆરઆઇ મુજબ ફરિયાદીના પિતા ધનાભાઇ નિશાળ ફળિયામાં તેમના સસરાને ત્યાં ઘરજમાઇ તરીકે રહેતા હતા. માતા જીથુડીબેનને તેમના પિતાના વારસાઇમાંથી સર્વે નંબર ૬૧ પૈકી એક હેક્ટર જમીન મળી હતી. આ જમીનમાં જીથુડીબેનના સીધી લીટીના વારસદાર તરીકે ફરિયાદીને આ જમીન પ્રાપ્ત થઇ હતી. પરંતુ, આ જમીનમાં ફરિયાદીના કૌટુંબિક મામાના ચાર દીકરાઓને મકાન બનાવી પચાવી પાડવા બદલ ફરિયાદ નોંધાઇ છે.
ત્રીજા રાવ સુરતના ઓલપાડ ખાતે રહેતા અનિલકુમાર નટવટલાલ દેવડાએ નોંધાવી છે. તેમણે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેમનું મકાન દાહોદમાં સર્વે ૭૬/૧ પૈકી પ્લોટ નંબર ૧૪/બીમાં બનાવેલી મકાનમાં તેમના કાકા અને તેના પુત્રો મળી કુલ નવ આરોપીઓને પચાવી પાડ્યાનું જણાવ્યું છે. દાહોદ પોલીસે આ ફરિયાદો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.