ઇંધણના વધતા ભાવોના વિરોધમાં પ.બંગાળના મુખ્યમંત્રીએ ઇ – સ્કુટર પર કાઢી રેલી : મોદી – શાહ તો એક સમયે દેશનું પણ નામ બદલી નાખશે : મમતા બેનર્જી

(જી.એન.એસ.)કોલકાત્તા,તા.૨૫
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવનો અનોખી રીતે વિરોધ કર્યો છે. મમતા બેનરજી ગુરુવારે કારના કાફલામાં નિકળવાને બદલે ઈલેક્ટ્રિક સ્કૂટર પર મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. તેમનું સ્કૂટર મંત્રી ફિરહાદ હકીમ ચલાવી રહ્યા હતા અને સીએમ મમતા બેનરજી પાછળની સીટ પર બેઠા હતા. મમતા બેનરજીએ ઈ સ્કૂટર પર સીએમ કાર્યલાય જઈ રહ્યા હોવાનો એક વીડિયો પણ ટિ્‌વટર પર પોસ્ટ કર્યો હતો. મમતા બેનરજી સ્કૂટરની પાછળની સીટ પર હેલ્મેટ પહેરીને બેઠા હતા અને તેઓએ મોંઢા પર માસ્ક પણ પહેર્યું હતું. મમતાએ પોતાના ગાળામાં એક મોટું પ્લેકાર્ડ લગાવી રાખ્યું હતું જેમાં અંગ્રેજીમાં લખ્યું હતું, ‘તમારા મોઢામાં શું છે? પેટ્રોલની કિંમતમાં ભાવ વધારો, ડિઝલનો ભાવ વધારો અને ગેસનો ભાવ વધારો.’
નબન્ના પહોંચતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, નોટબંધી, પેટ્રોલ-ડીઝલ અને કોલસાની કિંમતમાં થઈ રહેલા વધારાના કારણે દેશ આજે બેકફૂટ પર ચાલ્યો ગયો છે. આમ થવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર છે. તેઓ નેતાજી અન સરદાર વલ્લભભાઈ પટેલના નામે બની રહેલા સ્ટેડિયમના નામો જ બદલી રહ્યાં છે જે ખુબ જ દુઃખદ છે. મોદી-શાહ તો એક સમયે દેશનું પણ નામ બદલી નાખશે.
મમતા બેનરજીએ પ્રહારો યથાવત રાખતા કહ્યું હતું કે, તે (ભાજપ) દરરોજ રસોઈ ગેસ અને ડીઝલના ભાવ વધારી રહ્યાં છે, જે ચિંતાનો વિષય છે. હવે કેન્દ્ર જ્યાં સુધી ચૂંટણી યોજાશે ત્યાં સુધી ભાવ ઘટાડશે. ચૂંટણી પુરી થયા બાદ તેના ભાવમાં ફરી વધારો કરવામાં આવશે.
મમતા બેનરજી સ્ટૂકર પર સીએમ કાર્યલાયે પહોંચ્યા તેનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારિત કરાયો હતો. તેમણે વધી રહેલી ઈંધણની કિંમતોનો વિરોધ કરવા આ અનોખો રસ્તો અપનાવ્યો હતો. ચાલુ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ મહિને પેટ્રોલના ભાવ રૂ.૧૦૦ પ્રતિ લિટરને પાર પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: