દેવગઢ બારીઆ તાલુકાના ઉધાવળા ગામે અપક્ષના હારેલા ઉમેદવારે એકના ઘરે જઈ ભારે ધિંગાણું મચાવી ગડદાપાટ્ટુનો માર મારતાં પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૦૩

દેવગઢ બારીઆ તાલુકાના ઉઘાવળા ગામે ચુંટણીમાં અપક્ષનો ઉમેદવાર હારી જતાં તેના ભાઈ તેમજ સમર્થકો દ્વારા એક વ્યક્તિના ઘરે આવી બેફામ ગાળો વોટ ન આપવાના કારણે હારી ગયા હોવાના આક્ષેપો સાથે ભારે ધિંગાણું મચાવ્યા બાદ એક મહિલા સહિત ચાર જણાને ગડદાપાટ્ટુનો તેમજ બે જણાને આંગળીમાં બચકુ ભરી કાપી નાંખી મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો હતો અને આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી ધિંગાણું મચાવનાર ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

ઉધાવળા ગામે મોટા ફળિયામાં રહેતા દશરથભાઈ રયલાભાઈ પટેલ, અર્જુનભાઈ રયલાભાઈ પટેલ, ભોપતભાઈ કનુભાઈ ઉર્ફે કાગુભાઈ પટેલ અને હિતેશભાઈ બળવંતભાઈ પટેલનાઓ ગતરોજ પોતાના કબજાની બોલેરો ગાડીમાં બેસી ફળિયામાં જ રહેતા સુરેશભાઈ રાયસીંગભાઈ પટેલના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારો ભાઈ અપક્ષમાં ઉમેદવારી કરેલ હતી, તો તમોએ મારા ભાઈને વોટ કેમ ના આપ્યો અને બીજાને કેમ વોટ આપ્યો અને તમોએ મારા ભાઈને વોટ ન આપતાં તેના કારણે તે ચુંટણી હારી ગયેલ છે તેમ કહી બેફામ ગાળો બોલી સંજયભાઈને દશરથભાઈએ હાથના અંગુઠાની બાજુમાં બચકુ ભરી લોહી કાઢી નાંખી તથા અર્જુનભાઈ, ભોપતભાઈ અને હિતેશભાઈએ ગડદાપાટ્ટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. આ દરમ્યાન વચ્ચે છોડવવા પડેલ સુરેશભાઈની માતા રેશમબેનને ડાબા હાથની પહેલી આંગળી ઉપર બચકુ ભરી આંગળી કાપી નાખી હતી અને બાદમાં સુરેશભાઈ અને તેમના ઘરના માણસોને પણ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સુરેશભાઈ રાયસીંગભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: