દે.બારીયા તાલુકાના મોટી ઝરી ગામે જુદી જુદી બે જગ્યાએ આગમાં ચાર મુંગા પશુ બળીને ભડથુ થયા : અંદાજે રૂપિયા અઢી લાખનું નુકશાન


દાહોદ, તા.૮
દાહોદ જિલ્લાના દે.બારીયા તાલુકાના મોટી ઝરી ગામમાં આકસ્મીક આગના બનેલા બે બનાવોમાં લાકડા, ઘાસ વગેરે બળીને રાખ થઈ જતા તેમજ ચાર જેટલા મુંગા પશુ બળીને ભડથુ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા અઢી લાખનું નુકશાન થયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. જ્યારે આગ લાગવાના કારણે ઢાળીયામાં બાંધી રાખેલા બે બળદ છુટીને નાસી જતા તે બચી જવા પામ્યા હતા.
દે.બારીયા ફાયર સ્ટેશનના સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ગત રોજ બપોરના સમયે દે.બારીયા તાલુકાના મોટી ઝરી ગામે રહેતા રતનભાઈ ગણપતભાઈ ડામોરના ઘરની આગળ ઢોરો બાંધવા માટેના ઢાળીયામાં શોટ સર્કીટ ના કારણે આગ ભભુકી ઉઠતા જાેતજાેતામાં આગ પ્રચંડ બનતા આગ અંગેની જાણ દે.બારીયા ફાયર બ્રિગેડના લાશ્કરને કરાતા ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબું મેળવી આગ હોલવી નાખી વધુ નુકશાન થતુ અટકાવ્યું હતુ. આગમાં બે ગાયો તથા બે બકરા બળીને ભડથુ થઈ ગયા હતા તથા લાકડા તેમજ ઘાસ પણ બળીને રાખ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા બે લાખનું નુકશાન થવા પામ્યું હતુ. જ્યારે ઢાળીયામાં બાંધેલા બે બળદો દોરડામાંથી છુટી નાસી જતા તે બચી જવા પામ્યા હતા. આ આગના બનાવ બાદ ગણતરીની મીનીટોમાં થોડેક દુર ખુલ્લી જગ્યામાં કરેલા ઘાસના ઢગલામાં અકસ્માતે તણખા ઝરતા અને તે તણખા ઘાસ પર પડતા ઘાસના ઢગલામાં આગ લાગી જતા ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવી આગ હોલવી નાખી આસપાસના ઘરોને નુકશાન થતુ અટકાવ્યું હતુ. આગમાં ઢગલામાં ઘાસ બળીને રાખ થઈ જતા રૂપિયા પ૦ હજારનું નુકશાન થવા પામ્યું હતુ. આમ મોટી ઝરી ગામે બે જુદી જુદી જગ્યાએ બનેલા આગના બે બનાવોમાં અંદાજે કુલ મળી રૂપિયા અઢી લાખનું નુકશાન થવા પામ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: