સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર દાહોદ, તા. ૧૨ : આઝાદીના પૂરા થનારા ૭૫ વર્ષ નિમિત્તે શરૂ થનારી ઉજવણીનો ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ નો આજથી દાહોદમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે ૭૫ અઠવાડિયા અગાઉથી દેશભરના અને રાજયના પણ ૭૫ સ્થળોથી આ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે દાહોદ જિલ્લાના પણ દાહોદ અને ઝાલોદ ખાતે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ નગરના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આવેલા સભાખંડમાં સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભાભોરે આઝાદીની લડતના અનેક સોનેરી પ્રકરણો અને આઝાદી માટે લડનારા સ્વાતંત્રવીરોને યાદ કર્યા હતા. તેમણે પૂજય બાપુનું પુણ્યસ્મરણ કરતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી દાહોદમાં બે વખત આવ્યા હતા. વર્ષ ૧૯૧૯ માં તેઓએ બે દિવસ દાહોદમાં રોકાણ કર્યું હતું અને સભાઓને સંબોધન કર્યું હતું. તેના ૬ વર્ષ બાદ પણ ગાંધીજી અહીં આવ્યા હતા અને ભીલસેવા કન્યા આશ્રમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સુભાષ ચંદ્વ બોઝ તેમજ અનેક ક્રાંતિવીરોની દાહોદની ધરતી સાથે યાદો જોડાયેલી છે. સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, અંગ્રેજો સામે ૧૮૫૭ ની લડાઇથી દેશની આઝાદીનું બીજ રોપાયું હતું ત્યારે અંગ્રેજો સામે માનગઢની લડાઇ પણ આઝાદી માટેની લડાઇનો એક યાદગાર પ્રસંગ છે. જેમાં ગોવિંદગુરૂની આગેવાનીમાં સેકડોં આદિવાસી વીરો શહીદ થયા હતા. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે આવા અનેક નામી અનામી શહીદવીરોને યાદ કરવાના છે જેમણે દેશની આઝાદીના સંગ્રામમાં પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું. તેમણે ઉમેર્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે આવનારા ૭૫ સપ્તાહ આપણે આગામી પેઢીને આ આઝાદી કાજે લડનારા વીરો અને આઝાદીના કંઇકેટલાયે સોનેરી પ્રસંગોથી અવગત કરાવવાના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ને ચરિતાર્થ કરવા આપણે સૌએ સહિયારા પ્રયાસ કરવાના છે. દેશ જયારે પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે ત્યારે આપણે સૌએ વિકાસની નવી ક્ષિતિજો તરફ આગળ વધવાનું છે. પ્રધાનમંત્રીશ્રીએ આપેલા ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ મંત્રને સાથે લઇને આપણે આગળ વધવાનું છે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી.બી. બલાતે સ્વાગત પ્રવચન કર્યું હતુ. તેમજ દાહોદના તાલુકા વિકાસ અધિકારીશ્રીએ આભાર વિધી કરી હતી. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના શુભારંભે દાહોદ નગરમાં વહેલી સવારે વિદ્યાર્થીઓ દ્વારા સાયકલ રેલી અને યુવાઓ દ્વારા બાઇક રેલી પાણી બચાવો, અનાજ બચાવો અને વધુ વૃક્ષો વાવોનો સંદેશા સાથે કાઢવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા શહેરમાં આવેલી મહાત્માં ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાઓને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન અર્પવામાં આવ્યા હતા. ત્યાર બાદ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતેના સભાખંડમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જયાં અમદાવાદ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં શ્રી સુધીરભાઇ લાલપુરવાલા સહિતના અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા, દાહોદ પ્રાંત અધિકારી શ્રી એમ.એમ. ગણાવા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.