આઝાદીનો અમૃત મહોત્સવ એટલે દેશ માટે ઉત્તમ રીતે જીવવાનો અવસર : રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ ઝાલોદની ટીટોડી આશ્રમ શાળા ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદી મળવાના ૭૫ વર્ષ થવા જઇ રહ્યા છે અને તેના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશની સાથે દાહોદમાં પણ આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ઝાલોદ ખાતે રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે સહભાગી બની આ ક્ષણને જીવંત બનાવી હતી.
ઝાલોદ ખાતે પાણી બચાવો અને વૃક્ષો વાવોના સંદેશા સાથે બાઇક રેલી યોજાયા બાદ ટીંટોડી આશ્રમ શાળા ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું હતું. કોલોનિયલ શાસન દરમિયાન પંચમહાલના આ આદિવાસી વિસ્તારમાં અસહકારની ચળવળનું કેન્દ્ર બિંદુ બની રહેલા ટીટોડી આશ્રમ સમાજસેવક અને ગાંધીજન શ્રી ઠક્કર બાપા અને શ્રી સુખદેવભાઇ ત્રિવેદીની રાહબરી હેઠળ સ્થપાયો હતો અને અહીં અભ્યાસની સાથે આઝાદીની ચળવળની પ્રવૃત્તિ પણ થતી હતી.
અહીં રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, દાહોદ પણ સ્વતંત્રતાની ચળવળમાં યથાયોગ્ય અગ્રેસર રહ્યું હતું. પૂજ્ય મહાત્મા ગાંધીએ દાહોદની બે વખત મુલાકાત લીધી હતી અને સભાઓને સંબોધી હતી. જ્યાં તેમણે અંગ્રેજોની સામે લડાઇમાં સામાજિક સમરસતા અને એકતાની હિમાયત કરી હતી. આ ઉપરાંત, સરદાર વલ્લભભાઇ પટેલ તથા સુભાષચંદ્ર બોઝ પણ દાહોદના પ્રવાસે આવ્યા હતા.
દાહોદના નાગરિકોએ પણ ગાંધીજીની અસહકારની ચળવળને સારી રીતે ઝીલી લીધી હતી. હું કાગડા અને કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના ઝંપીશ નહીં, એવો દૃઢ સંકલ્પ કરી ગાંધીજીએ ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમથી દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો.
તેમણે કહ્યું કે, આ યાત્રાએ ભારતમાં તે વખતે આઝાદીની ભાવનાને પ્રબળ બનાવી હતી. આ યાત્રાએ ભારત પર અંગ્રેજી શાસનને હચમચાવી નાખ્યું હતું. તે સમયે નાગરિકોમાં જેવી દેશભાવના હતી, તેવી જ ભાવના ૭૫ વર્ષ નિમિત્તે દેશવાસીઓમાં જગાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવનો પ્રારંભ કર્યો છે. આપણે દેશ માટે લડી શક્યા નથી પણ, તેના માટે સારી રીતે જીવી શકીએ તેવો સંકલ્પ કરવાનો આ અવસર છે. તેમ શ્રી ખાબડે અંતે ઉમેર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સૌનું શાબ્દિક સ્વાગત કરી પ્રસંગની રૂપરેખા આપી હતી. સ્વાતંત્ર્ય સેનાની શ્રી નરસિંહભાઇ હઠીલાએ અસહકારની ચળવળ વેળાના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.અમદાવાદ ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના કાર્યક્રમના જીવંત પ્રસારણને ઉપસ્થિતોએ રસપૂર્વક નિહાળ્યું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભૂરિયા, શ્રી ભગવાનભાઇ, શ્રી સુનિલભાઇ હઠીલા, પ્રાંત અધિકારી શ્રી એસ. ડી. ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી શ્રી ડી. એન. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.