ફતેપુરા તાલુકાના હિંગલામાં અકસ્માતે આગ લાગતા બે નાના મકાનો : અનાજ – ઘરવખરી બળીને ખાખ : કોઇ જાનહાનિ નહીં.
રિપોર્ટર : યાસીન મોઢીયા
ફતેપુરા તા.૧૩
ફતેપુરા તાલુકામા અવાર-નવાર અકસ્માતે આગ લાગવાના બનાવો બને છે.અને આગ લાગ્યા બાદ તાલુકામાં સ્થાનિક જગ્યાએ ફાયર ફાઈટરની વ્યવસ્થા ન હોય ઝાલોદ અથવા સંતરામપુર થી ફાયર ફાઈટર બોલાવવામાં આવે છે. અને ત્યાંથી ફાયર ફાઈટર આવે ત્યાં સુધીમાં લાગેલ આગમાં હજારો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યા બાદ ફાયર ફાઈટર પહોંચે છે. તેવી જ રીતે શુક્રવાર બપોરના બે થી અઢી વાગ્યાના અરસામાં હિંગલા ગામે અકસ્માતે લાગેલ આગમાં બે મકાનો સહિત મકાઇ,ડાંગર,ચણા,ઘાસ વિગેરે બળી જતાં હજારો રૂપિયાનું નુકસાન પહોંચવા પામેલ હોવાનું જાણવા મળે છે.ત્યારે ફતેપુરા તાલુકામાં ફાયર ફાઈટરની વ્યવસ્થા હોવી જરૂરી છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના હિંગલા ગામે કાચલા ફળિયામાં રહેતા સળિયાભાઈ ટીટા ભાઈ કામોળ ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે.જેઓ હાલ પુત્ર ચંદુભાઈ તથા પુત્રવધુ સાથે બહારગામ મજુરી કામે ગયેલા છે. અને પત્ની તથા પુત્રી ઘરે છે.જ્યારે ગતરોજ બપોરના બે થી અઢી વાગ્યાના અરસામાં સળિયા ભાઈ કામોળના મકાનમાં કોઈક કારણોસર અકસ્માતે આગ લાગતા મકાન નજીક બાંધવામાં આવેલ નળીયા તથા પતરા વાળા મકાનમાં આગની જવાળાઓ જોવા મળતા બૂમાબૂમ કરવામાં આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ત્યાં સુધીમાં નાના મકાનને આગની જવાળાઓ એ ઘેરી લીધું હતું. અને નજીકમાં આવેલ પુત્ર ચંદુભાઈ કામોળના મકાન ને પણ લપેટમાં લેતા ઘરવખરી સહિત સરસામાન બળી જવા પામ્યો હતો.જેથી આસપાસ માંથી દોડી આવેલા લોકોએ આગને ઓલવવા નો પ્રયત્ન કરવા છતાં આગ કાબુમાં નહીં આવતા ઝાલોદ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. ત્યાં સુધીમાં બે નાના મકાનોમાં રાખવામાં આવેલ તમામ સરસામાન સહિત મકાઈ આશરે ત્રીસ થી ચાળીસ મણ તથા ડાંગર આશરે ચાળીસ મણ જેટલી આગની લપેટમાં આવતા અનાજ બળીને ખાખ થઇ ગયું હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળે છે.જ્યારે મકાન પાસે આવેલ ખળામાં કાપણી કરેલ ચણાના પાકને પણ આગે લપેટમાં લેતા સો મણ જેટલા ચણાનો તૈયાર પાક પણ બળીને ભસ્મ થઈ ગયો હતો. જ્યારે બે ટ્રેકટર જેટલું ઘાસમા પણ આગે કાબુ કરતા દોડી આવેલા ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયત્ન કરવા છતાં આગ કાબૂમાં આવી ન હતી. જ્યારે પશુઓને બચાવવા માટે દોરડા કાપી છોડી મુકતા પશુઓનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ ઝાલોદ થી બે ફાયર ફાઇટરો આવી પહોંચતા આગ ઉપર પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી.જો કે ફાયર ફાયટરો સમયસર આવી પહોંચ્યા ન હોત તો નજીકમાં આવેલ મકાન સહિત પશુઓના તબેલાને આગના કારણે મોટુ નુકસાન પહોચ્યું હોત.પરંતુ વધુ નુકસાન થતું ફાયર ફાઇટરોની કામગીરીના કારણે બચવા પામેલ છે. તેમજ કોઇ જાનહાની નહી થતા ઉપસ્થિત લોકોમાં હાશકારો થયો હતો.
આમ,હિંગલા ગામે અકસ્માતે લાગેલ આગમાં થયેલ હજારો રૂપિયાના નુકસાન બાબતે ગ્રામ પંચાયત દ્વારા પંચકેસ કરી તાલુકા કક્ષાએ મોકલી આપવામાં આવેલ હોવાનું પણ જાણવા મળે છે.