દેશમાં ૨૪ કલાકમાં ૨૪,૮૪૫ પોઝિટિવ કેસ નોંધાયા : ૫૩ દિવસ પછી દેશમાં સક્રિય કેસ ફરી ૨ લાખને પાર : છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૦ લોકોના મોત નિપજ્યા : મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૫,૮૧૭ કેસ સામે આવ્યા, ત્યાર બાદ કેરળ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ સંક્રમણ વધ્યું : અત્યાર સુધી સમગ્ર દેશમાં ૨.૨૫ કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૩
દેશના અમુક રાજ્યોમાં કોરોના વાયરસે ફરીથી ચિંતા વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૪,૮૮૨ નવા કેસ નોંધાયા છે. તેની સાથે ૧૯,૯૫૭ લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર હાલ ૯૬.૮ ટકા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૪૦ લોકોનાં મોત થાય છે. હાલમાં દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ ૧.૪ ટકા છે. દેશમાં કુલ મૃત્યાંક ૧,૫૮,૪૪૬ થયો છે. દેશમાં હાલ કોરોના વાયરસના ૨,૦૨,૦૨૨ સક્રિય કેસ છે. દેશમાં અત્યારસુધી કુલ ૧,૧૩,૩૩,૭૨૮ કેસ નોંધાયા છે, જેની સામે ૧,૦૯,૭૩,૨૬૦ લોકો સાજા થયા છે. દેશમાં ૧૨મી માર્ચના રોજ ૮,૪૦,૬૩૫ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. અત્યાર સુધી દેશમાં કુલ ૨.૨૫ કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે.
મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી રાજસ્થાન આ એવા રાજ્યો છે જ્યાં કોરોનાના નવા કેસ સતત રોકેટ ઝડપે વધી રહ્યે છે. શુક્રવારે દેશમાં જે ૨૫૦૦૦ જેટલા નવા કોરોના કેસ સામે આવ્યા છે તેમાં મોટાભાગના આ રાજ્યોમાંથી છે. તેમજ અડધાથી વધુ એકલા મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્ર્માં અચાનક વધેલી કોરોનાની ઝડપે નિષ્ણાંતોને ફરી વિચારતા કરી મૂક્યા છે. દેશમાં ફરી એકવાર ૫૩ દિવસો પછી કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૨ લાખને પાર કરી ગઈ છે. એક મહિના પહેલા ૧૪ ફેબ્રુઆરીના રોજ દેશમાં ૧.૩૫ લાખ એક્ટિવ કેસ હતા. જેમાં આ એક જ મહિનામાં ૪૮ ટકા જેટલો વધારો થયો છે. દેશમાં ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં દેશની રાષ્ટ્રિય એવરેજ કરતા પણ વધુ ઝડપથી કોરોના કેસ વધી રહ્યા છે.
કોવિડ વાયરસથી થતા મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૦ દર્દીઓના મોત થયા હતા, જે ૨૮ જાન્યુઆરી પછી સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૬ લોકોના મોત થયા હતા જ્યારે પંજાબમાં ૩૪ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. એક દિવસ પહેલા પંજાબમાં ૧૮ દર્દીઓના મોત થયા હતા એટલે કે માત્ર એક જ દિવસમાં મૃત્યુઆંક લગભગ બમણો થઈ ગયો હતો. કેરળમાં ૧૪ લોકોના મોત થયા હતા.
ભારતમાં છેલ્લે ૨ લાખથી વધુ સક્રિય કેસો ૧૮ જાન્યુઆરીએ હતા જ્યારે કેસ સતત ઘટી રહ્યા હતા. જાેકે ૧૨ ફેબ્રુઆરીથી આ આંકડો સતત વધી રહ્યો છે. ૧૨ ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ વચ્ચે પંજાબમાં ૭,૭૮૩ સક્રિય કેસોમાં વધારો થયો છે જે ૩૩૮%નો વધારો છે.