મહત્વાકાંક્ષી જિલ્લા દાહોદના લોગોનું વિમોચન કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડી
દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આજે મહત્વાકાંક્ષી જિલ્લાના લોગોનું વિમોચન કર્યું હતું. ગુજરાતના બે જિલ્લાઓ દાહોદ અને નર્મદાનો મહત્વાકાંક્ષી જિલ્લામાં સમાવેશ થયો છે અને અહીં કરવામાં આવતા વિકાસ કામોનું મોનિટરિંગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષપણાવાળા નિતિ આયોગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
મહત્વાકાંક્ષી જિલ્લા દાહોદના આ લોગોનો શાબ્દિક ખ્યાલ મેળવીએ તો તેને એક વૃક્ષનો આકાર આપવામાં આવ્યો છે. મહત્વાકાંક્ષાના વૃક્ષની થીમ ઉપર આ લોગોને ડિઝાઇન કરવામાં આવ્યો છે. વિકાસના પથમાં આ વિભાગો અને વિષયોનું કાર્ય છે. તેના થડમાં પાંચ રંગ રાખવામાં આવ્યા છે. જે નીતિ આયોગના વિકાસ આયામો એટલે કે સેક્ટર દર્શાવે છે. આ પાંચ રંગમાં લાલ, લીલો, કેસરી, વાદળી અને આસમાની રંગનો સમાવશે થાય છે. જેનો મતલબ નીતિ આયોગના ઇન્ડીકેટર આરોગ્ય-પોષણ, કૃષિ-પશુપાલન, રોજગારી, સિંચાઇ અને પીવાના પાણીની સુવિધા અને શિક્ષણ થાય છે.
આ વૃક્ષની શાખાઓ ન્યુરોનરૂપ છે. સરળતાથી સમજીએ તો તે વિચારઉદ્દીપક અને ચેતાતંત્રને જીવંત રાખવાનું કાર્ય છે. ઉક્ત ઇન્ડીકેટર સેક્ટરના પેટા વિષયોને દર્શાવે છે. જેનાથી નાગરિકોના સર્વાંગી વિકાસના પ્રેરક છે. ૪૯ જેટલા ન્યુરોન-શાખાઓને અંતે શીર્ષચિહ્ન નાગરિકોને દર્શાવે છે. નાગરિકોના સર્વોત્તમ કલ્યાણ માટે આ મુખ્ય બાબતો પરત્વે પ્રશાસન દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે, એવો ગર્ભિત ભાવ આ લોગોમાં છે.
આ વેળાએ જિલ્લા આયોજન અધિકારી શ્રી કિરણ ગેલાત અને સંશોધન અધિકારી શ્રી સંદીપ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા