કોરોના વાયરસને નાથવા માટે દાહોદમાં ૩૦ ધન્વંતરિ રથો મેદાનમાં ઉતારાયા : દાહોદ જિલ્લાની સરહદો ઉપર શંકાસ્પદ પ્રવાસીઓના રેપીડ ટેસ્ટ કરવાનો પ્રારંભ : જરૂર પડે તો ઝાલોદ, દેવગઢ બારિયા અને લીમખેડામાં કોવિડ કેર સેન્ટર ખોલાશે
દાહોદ તા. ૨૫
દાહોદ જિલ્લામાં છેલ્લા એક અરસાથી વધી રહેલા કોરોના વાયરસના કેસોને નિયંત્રિત કરવા માટે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા ફરીથી ધન્વંતરિ રથ શરૂ કરવામાં આવ્યા છે. ધન્વંતરિ રથ દ્વારા જનઆરોગ્યની સઘન ચકાસણીની સાથે લોકજાગૃતિનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે, દાહોદમાં આઠ, લીમખેડા, સિંગવડ, સંજેલી, ગરબાડા અને ધાનપુરમાં બે-બે, દેવગઢ બારિયા, ફતેપુરા અને ઝાલોદમાં ચાર-ચાર ધન્વંતરિ રથો શરૂ કરવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લામાં કૂલ ૩૦ ધન્વંતરિ રથો કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
આ રથમાં તબીબો સાથેની એક ટીમ રાખવામાં આવી છે. જે લોકોના આરોગ્યની ચકાસણી કરી જરૂર પડે તો દર્દીઓને કોરોના ટેસ્ટ માટે રિફર કરશે. આ ઉપરાંત, દવાઓ પણ રથમાં રાખવામાં આવી છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે, કોરોના વાયરસના લક્ષણ જણાય તો તુરંત ટેસ્ટ કરાવી સારવાર કરાવી લેવી જોઇએ. ઉંમરથી લાયકાત ધરાવતા વ્યક્તિએ કોરોના વાયરસની રસી લઇ લેવી જોઇએ
શ્રી ખરાડીએ ઉમેર્યું કે, દાહોદમાં વધતા જતાં કોરોનાના કેસોને ધ્યાને રાખીને દેવગઢ બારિયા, ઝાલોદ અને લીમખેડા ખાતે કોવિડ કેર સેન્ટર ખોલવાનું આયોજન છે. જરૂર પડે તો ત્યારે આ સ્થળોએ કોરોનાના માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિક દર્દીઓની સારવાર કરવામાં આવશે.
કલેક્ટરશ્રીએ એમ પણ જણાવ્યું કે, પાડોશી રાજ્ય સાથે જોડાયેલી દાહોદ જિલ્લાની સરહદે પણ આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સરહદો ઉપર શંકાસ્પદ લાગતા દર્દીઓના ટેસ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૬૫૦થી વધુ દર્દીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના દર્દીઓ જ્યાં મળી આવે ત્યાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનને લગતી કાર્યવાહી કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. નાગરિકો પણ આ ઝોનને લગતા નિયમોનું ચુસ્તતાથી પાલન કરી સહયોગ આપે એ જરૂરી છે.