ધાનપુર તાલુકાના દુધામલી ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર ભટકાતાં ત્રણના કમકમાટી ભર્યાં મોત

દાહોદ તા.૨૫
ધાનપુર તાલુકાના દુધામલી ગામે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ગતરોજ દુધામલી ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતાં બેના ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં છે જ્યારે એકનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
દાહોદ જિલ્લામાં વધતાં માર્ગ અકસ્માતના બનાવોમાં ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવે ચોક્કસ આયોજન કરવું જ રહ્યું. જિલ્લામાં દિનપ્રતિદિન કોઈકને કોઈક માર્ગ અકસ્માતમાં નિર્દોષ વાહન ચાલકો અથવા તો રાહદારીઓ આ માર્ગ અકસ્માતનો ભોગ બનતાં જ હોય છે પરંતુ ગત તા.૨૩મી માર્ચના રોજના બનેલા એક બનાવને પગલે તો વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ધાનપુર તાલુકાના દુધામલી ગામે જતાં રસ્તા પરથી ધાનપુર તાલુકાના ભોરવા ગામે તળાવ ફળિયામાં રહેતા જશુભાઈ ખેમાભાઈ પટેલ પોતાની મોરસાઈકલ પર પાછળ એક વ્યક્તિને બેસાડી પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. આ સમયે સામેથી આવતાં દુધામલી ગામે પટેલ ફળિયામાં રહેતા અલ્કેશભાઈની મોટરસાઈકલ સાથે આ મોટરસાઈકલ ધડાકાભેર અથડાતાં મોટરસાઈકલ પર સવાર ચારેય જણા જમીન પર ફંગોળાયાં હતાં જેને પગલે અલ્કેશભાઈ તથા કૈલાશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેનું ઘટનાન સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ચંપકભાઈ મંગળસિંહ પટેલને પણ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ચંપકભાઈનું પણ મોત નીપજતાં એક સાથે આ માર્ગ અકસ્માતે ત્રણ જણાએ ભોગ લેતાં મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યાં હતાં અને પોલીસને પણ જાણ થતાં પોલીસ પણ સ્થળ પર રવાના થઈ હતી.
આ સંબંધે દુધામલી ગામે પટેલ ફળિયામાં રહેતા બળવંતભાઈ શંકરભાઈ પટેલે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મોટરસાઈકલના ચાલક જશુભાઈ ખેમાભાઈ પટેલ વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: