દાહોદ જિલ્લામાં વધુ ૨૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયાં

દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લામાં આજે વધુ ૨૦ દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો કુલ આંકડો ૩૦૭૬ ને પાર થઈ ચુંક્યો છે. વધતાં કોરોના કેસોની સાથે સાથે એક્ટીવ કેસોની પણ સંખ્યા વધવા માંડી છે ત્યારે જિલ્લામાં એક્ટીવ કેસોની સંખ્યા ૧૪૮ ને પાર પહોંચી છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૪૯ પૈકી ૧૮ અને રેપીટ ટેસ્ટના ૧૨૦૮ પૈકી ૦૨ મળી આજે કુલ ૨૦ કોરોના દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાં હતાં. આ ૨૦ પૈકી દાહોદ અર્બનમાંથી જ ૦૬ કેસો સામે આવ્યાં છે. દિનપ્રતિદિન દાહોદ અર્બન વિસ્તારમાંથી સંક્રમણના કેસોમાં પણ કુદકેને ભુસકે વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે હાલ હોળી, ધુળેટી જેવા તહેવારોને લઈ ખાસ કરીને દાહોદ શહેરમાં આસપાસની ગ્રામ્ય લોકોનો ખરીદી તેમજ અવર જવર પણ ભારે જાેવા મળી રહી છે. દાહોદ ગ્રામ્યમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૧, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૧, ધાનપુરમાંથી ૦૩, ફતેપુરામાંથી ૦૨ અને સંજેલીમાંથી ૦૩ કેસોનો સમાવેશ થાય છે. આજે ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમે ધીમે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના ગાઈડ લાઈનનું પાલન થાય અને તંત્ર દ્વારા કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણીઓ પણ ઉઠવા પામી છે.
