દાહોદ જિલ્લામાં ત્રણ સ્થળેથી પોલીસે કુલ રૂા.૨,૩૩,૦૪૦ના વિદેશી દારૂના જથ્થા સાથે બે વાહનો કબ્જે કર્યાં
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લામાં વધુ ત્રણ જુદી જુદી જગ્યાએ પોલીસે પ્રોહી રેડ કરતાં કુલ રૂા.૨,૩૩,૦૪૦ના જંગી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ જણાની અટકાયત કરી હોવાનું જ્યારે બે જણા પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં હોળી – ધુળેટીના તહેવારમાં રોકડી કરી લેવાના આશયે જિલ્લામાં વિદેશી દારૂનો વેપલો કરતાં બુટલેગરો બેફામ બન્યાં છે ત્યારે જિલ્લા પોલીસ આવા બુટલેગરોએ લગામ કસવાની તૈયારીઓ બતાવી એક પછી એક બુટલેગરોના રહેણાંક વિસ્તારો સહિત વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વોની સામે એક્શન મોડમાં આવી છે.
પ્રોહીનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના વાંકોટા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૬મી માર્ચના રોજ ઉમેશભાઈ શકરાભાઈ સંગાડીયા (રહે.અલીરજપુર, મધ્યપ્રદેશ) પોતાના કબજાની બોલેરો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાંકોટા ગામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાં નાકાબંધીમાં ઉભેલ પોલીસને શંકા જતાં ગાડી ઉભી રખાવી હતી અને ગાડીમાં તલાસી લેતાં વિદેશી દારૂની બોટલો તથા બીયરની બોટલો નંગ.૨૮૮ કિંમત રૂા.૨૮,૯૨૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત ચાલકની અટક કરી હતી અને તેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થા મધ્યપ્રદેશના અલીરાજપુરના સુરેશભાઈ કલીયાભાઈ પરમાર અને કેન્સીંગ બગેલે ભરી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રૂા. ૩ લાખની કિંમતની બોલેરો ગાડી પણ કબજે કરી ધાનપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજાે ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૬મી માર્ચના રોજ ધાનપુર તાલુકાના ધનારપાટીયા અને કાલીયાવાડ ગામે રહેતા સુરેશભાઈ કલીયાભાઈ પરમાર, ખુમાનભાઈ ભયજીભાઈ રાઠોડ અને દિનેશભાઈ નાનીયાભાઈ રાઠોડ અને નીલેશભાઈ હીમસીંગભાઈ દહમા આ ચારેય જણા એકબીજાના મેળાપીપણામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં હતાં અને પોતાના કબજાની તુફાન ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ કાલીયાવાડ ગામેથી પસાર થતાં પોલીસને મળેલ બાતમીના આધારે આ ગાડીનો પીછો કરતાં પોલીસને પીછો કરતાં જાેઈ ગાડીમાં સવાર નીલેશભાઈ, ખુમાનભાઈ અને દિનેશભાઈ પોલીસને ચકમો આપી નાસી ગયાં હતાં જ્યારે સુરેશભાઈને ગાડી સાથે ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની અને બીયરની બોટલો નંગ. ૩૬૦ કિંમત રૂા.૩૨,૪૦૦નો પ્રોહી જથ્થો ઝડપી પાડ્યો હતો અને રૂા.૩ લાખની બોલેરો ગાડી પણ કબજે લઈ ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ ધાનપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજાે બનાવ ઝાલોદ તાલુકાના મુણધા ગામે ગત તા.૨૬મી માર્ચના રોજ બનવા પામ્યો હતો જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે મુણધા ગામે મુણધી ફળિયામાં રહેતા ભરતભાઈ ભલાભાઈ ચારેલના રહેણાંકમાં ઓચિંતો છાપો મારતાં ભરતભાઈ પોલીસને જાેઈ નાસી ગયો હતો. પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની અને બીયરની પેટીઓ નંગ. ૩૭ બોટલો નંગ. ૧૨૯૬ કુલ કિંમત રૂા.૧,૭૪,૭૨૦ નો પ્રોહી જથ્થો કબજે લઈ ઉપરોક્ત ફરાર ઈસમ વિરૂધ્ધ લીમડી પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.