દાહોદ જિલ્લામાં આજે વધુ ૨૧ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યાં
દાહોદ તા.૨૮
આજે હોળીનો તહેવાર અને બીજી બાજુ કોરોના સંક્રમણના કેસોમાં પણ આજે વધારો જાેવા મળ્યો હતો. આજે એકસાથે ૨૧ કોરોના દર્દીઓની સંખ્યામાં વધુ વધારો નોંધાતાં તહેવાર ટાળે લોકોમાં અંદરો અંદર કોરોના સંક્રમણને લઈ ભયનો માહોલ પણ જાેવા મળ્યો હતો.
આજે પોઝીટીવ આવેલ ૨૧ કોરોના કેસોમાં ૧૧ કેસો તો દાહોદ અર્બન વિસ્તારમાંથી સામે આવ્યાં છે. આ જાેતા લાગી રહ્યું છે કે, ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારો અને તેમાંય ખાસ કરીને દાહોદ શહેર વિસ્તારમાં દિન પ્રતિદિન કોરોના વકરી રહ્યો છે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. આ બાબત દાહોદ શહેરવાસીઓ માટે ચિંતાનો વિષય તો છે જ પરંતુ ફરજીયાત માસ્ક, સોશીયલ ડિસ્ટન્સ અને સેનેટરાઈઝરનો રાબેતા મુજબ ઉપયોગ કરવામાં આવશે તો આવનાર દિવસમાં દાહોદવાસીઓ પણ કોરોના સંક્રમણથી બચી શકશે. બીજી તરફ આજના ૨૧ કેસોમાં દાહોદ ગ્રામ્યમાંથી ૦૧, ઝાલોદ અર્બનમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૪, લીમખેડામાંથી ૦૧, ફતેપુરામાંથી ૦૧ અને સંજેલીમાંથી ૦૧ કેસની સમાવેશ થાય છે. કોરોના સંક્રમણના કેસોમાં વધારાની સાથે સાથે સાજા થતાં દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકો સાજા થઈ હોસ્પિટલમાંથી રજા લેતાં પણ જાેવા મળ્યાં હતાં ત્યારે આજે ૧૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ ચિંતાનો વિષય એ પણ છે કે, એક્ટીવ કેસોની સંખ્યામાં પણ રોજેરોજ વધારો થઈ રહ્યો છે. આજના ૨૧ કેસોના સમાવેશ સાથે એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૧૫૭ને પાર થઈ ચુંકી છે. આજે હોળી અને આવતીકાલે ધુળેટીનો તહેવાર હોઈ દાહોદ જિલ્લાવાસીઓ આ બંન્ને તહેવારો કોરોના ગાઈડ લાઈનના અનુસાર ઉજવણી કરે તેવી તંત્ર દ્વારા પણ અગાઉ અપીલ કરવામાં આવી હતી.