દાહોદ શહેરના ઈન્દૌર – નેશનલ હાઈવે પર એક કુવામાં ન્હાવા પડેલ આશાસ્પદ યુવકનું ડુબી જવાથી મોત
દાહોદ તા.૩૦
દાહોદ શહેરમાં ગતરોજ ધુળેટીના તહેવારે એક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. શહેરમાં કેટલાક યુવકો કુવામાં ન્હાવા પડતાં જે પૈકી એક ૧૬ વર્ષીય આશાસ્પદ યુવક કુવાના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોતને ભેટતાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનીક તરવૈયાઓ અને ફાયર ફાયટરની ટીમે કલાકોની ભારે જહેમત બાદ મૃતક યુવકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢતાંની સાથે પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગતરોજ ધુળેટીનો તહેવાર હતો. દાહોદ શહેરવાસીઓ એક તરફ પરિવાર સાથે ધુળેટીની રગ, ગુલાલ સાથે ધામધુમ પુર્વક ઉજવણી કરી રહી હતી ત્યારે શહેરના ગારખાયા વિસ્તારમાં રહેતો ૧૬ વર્ષીય ધીરજભાઈ રાજુભાઈ ચાવડા નામક યુવક પોતાના સહ મિત્રો સાથે શહેરાન ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે પાસે આવેલ ગુડલક – ૦૨ માર્કેટ ખાતે આવેલ એક કુવામાં ન્હાવા માટે ગયાં હતાં. અન્ય મિત્ર યુવકો સાથે આ ધીરજભાઈ પણ કુવામાં ન્હાવા માટે ઝંપલાવ્યું હતું. ધુળેટીના ઉન્માદ અને મસ્તીમાં જાેતજાેતામાં આ ધીરજભાઈ કુવાના ઉંડા પાણીમાં કયાં સમયે ગરકાવ થઈ ગયો તેની પણ સાથી મિત્રોની ખબર ના પડી અને બાદમાં જ્યારે કુવામાંથી બહાર નીકળતાં વેળાએ ધીરજભાઈ ના જાેવાતાં સાથી મિત્રોએ શોધખોળ કર્યાં છતાં પણ ધીરજનો કોઈ પત્તો ન મળતાં ગભરાઈને સાથી મિત્રો રવાના થઈ ગયાં હતાં. ક્યાંકને ક્યાંક આ અઘટીત ઘટનાની જાણ ધીરજભાઈના પરિવારજનોને થતાં પરિવારજનો સહિત આસપાસના લોકો આ કુવા તરફ આવી પહોંચ્યાં હતાં અને આ અંગેની જાણ પોલીસ સહિત ફાયર ફાઈટરને કરાતાં આ કર્મચારીઓ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. સ્થાનીક તરવૈયાઓ અને ફાયર ફાઈટરના જવાનો કુવામાં ધીરજની શોધખોળમાં ઝંપલાવ્યું હતું અને કલાકોની ભારે જહેમત બાદ ધીરજનો મૃતદેહ કુવામાંથી બહાર કઢાતાની સાથે જ સ્થળ પરજ ધીરજના પરિવાજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. પોલીસ દ્વારા આ મૃતક ધીરજને નજીકના દવાખાને પી.એમ. અર્થે મોકલી આપ્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસનો આરંભ કર્યો છે.