દાહોદના ઝરીખુર્દ ગામે હોળીના દિવસે ધિંગાણું :ચાર જેટલા ઈસમોએ બેને ફટકાર્યા
દાહોદ તા.૩૧
દાહોદ તાલુકાના ઝરીખુર્દ ગામે પ્રગટાવવામાં આવેલ હોળી પુરી થયાં બાદ બધાને પોતપોતાના ઘરે જતા રહેવાનું કહેતા ચાર જેટલા ઈસમાએ બે જણાને લોખંડની પાઈપ, લાકડી વડે અને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ઝરીખુર્દ ગામે જવલા ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ કનુભાઈ ચૌહાણ તથા તેમની સાથે કેટલાક લોકો ગામમાં હોળી દેખવા ગયાં હતાં તે સમયે ગામમાં રહેતાં રશીયાભાઈ તેજીયાભાઈ મેડા, ગવસીંગભાઈ મકનાભાઈએ બુમો પાડી કહેતાં હતાં કે, બધા માણસો વિખેરાઈ જાઓ અને હરીશભાઈએ પણ કહેલ કે, હાવ હવે બધા પોત પોતાના ઘરે જતાં રહો તેમ કહેતાં ત્યાં હાજર ગામમાં જ રહેતા મનુભાઈ બદીયાભાઈ મેડા, તીતરાયીભાઈ મથુરભાઈ મેડા, સુભાષભાઈ નુરાભાઈ મેડા અને મલસીંગભાઈ મથુરભાઈ મેડા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું કોણ કહેવા વાળો છે, ગામના પટેલ અમે છીએ, તેમ કહેતાં હરીશભાઈએ જણાવેલ કે, મેં તમોને નથી કીધું, બીજા માણસોને કહું છું, તેમ કહેતાં ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ લોખંડની પાઈપ, લાકડી વડે તેમજ અને ગડદાપાટ્ટુનો મહેન્દ્રભાઈ તથા હરીશભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે મહેન્દ્રભાઈ કનુભાઈ ચૌહાણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.