દાહોદ જિલ્લામાં વધુ ૨૩ દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો કુલ આંકડો ૩૧૭૪ને પાર
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે અને આ એક ચિંતાનો વિષય પણ છે અને તેમાંય દાહોદ શહેરી વિસ્તારમાં સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે ત્યારે આજે દાહોદ જિલ્લામાં એક સાથે ૨૩ દર્દીઓનો વધારો નોંધાતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આજે વધુ એક દર્દીનું કોરોનાથી મોત નીપજ્યાનું પણ જાણવા મળી રહ્યું છે.
આર.ટી.પી.સી.આર.ના ૮૦ પૈકી ૦૯ અને રેપીટ ટેસ્ટના ૧૬૪૦ પૈકી ૧૪ મળી આજે કુલ ૨૩ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૨૩ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી ૦૪, દાહોદ ગ્રામ્યમાંથી ૦૪, ઝાલોદ અર્બનમાંથી ૦૩, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૨, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, લીમખેડામાંથી ૦૨, સીંગવડમાંથી ૦૧, ગરબાડામાંથી ૦૧, ફતેપુરામાંથી ૦૪ અને સંજેલીમાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. દાહોદ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ કુદકેને ફુસકે કેસો વધી રહ્યાં છે. આ એક શહેરી વિસ્તાર માટે પણ ચિંતાનો વિષય છે ત્યારે ખાસ કરીને દાહોદ શહેરમાં હાલ લગ્નસરાની સીઝન હોય બજારોમાં આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી ભારે ભીડ પણ જાેવા મળી રહી છે અને કદાચ ભીડભાડના કારણે પણ દાહોદ શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. આજે વધુ એક દર્દીના મોતને પગલે જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીની સંખ્યાં ૧૦૫ને વટાવી ચુંકી છે. આજે એક સાથે ૨૬ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારે એક્ટીવ કેસની પણ સંખ્યા વધી ૧૭૦ પર પહોંચી ગઈ છે. આમ, દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૩૧૭૪ પર પહોંચ્યો છે.