છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૮૭ હજાર નવા કેસ, ૭૧૪ના મોત : વિશ્વમાં કોરોના પોઝિટિવ દૈનિક કેસોમાં ભારત પ્રથમ ક્રમે પહોંચ્યું : બ્રાઝિલ – અમેરિકાને પાછળ છોડ્યું, એક માસમાં ભારતમાં કોરોનાના કેસ ૭ ગણા વધ્યા, કુલ કેસ ૧,૨૩,૯૨,૨૬૦, કુલ મૃત્યુઆંક ૧,૬૪,૧૬૨

જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩
દેશમાં કોરોના સંક્રમણથી પરિસ્થિતિ ભયજનક બની રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં, ૮૯,૧૨૯ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એની તુલનામાં ફક્ત ૪૪,૧૭૬ દર્દી સાજા થયા છે, જ્યારે આ મહામારીને કારણે ૭૧૪ લોકો મૃત્યુ પામ્યા છે. એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ૪૪,૧૨૩નો વધારો થયો છે. એક જ દિવસમાં સંક્રમિત થયેલા કુલ લોકોની સંખ્યા ગત વર્ષે સપ્ટેમ્બરમાં આવેલા પ્રથમ પીકથી ફક્ત ૯,૦૦૦ દૂર છે. આ પહેલાં ૧૬ સપ્ટેમ્બરે સૌથી વધુ ૯૭,૮૬૦ દર્દી કોરોના પોઝિટિવ મળ્યા હતા, ત્યાર બાદ આ આંકડો ઘટવા લાગ્યો હતો.
ભારતમાં કોરોના વાયરસનો કહેર શાંત થવાનુ નામ નથી લેતો. રોજેરોજ ચિંતા ઉપજાવે તેવા રેકોર્ડબ્રેક આંકડાઓ બહાર આવી રહ્યા છે. જે રીતે કોરોનાએ ફરીથી બિહામણી રીતે ધૂણવાનુ શરૂ કર્યુ છે તે જાેતા હવે માઠા દિવસો આવી રહ્યાના એંધાણ મળી રહ્યા છે. પહેલીવાર દૈનિક કેસના મામલે ભારતે બ્રાઝીલ અને અમેરિકાને પાછળ રાખી દીધા છે અને વિશ્વમાં ભારત દૈનિક કેસના મામલે પ્રથમ ક્રમાંકે પહોંચી ગયુ છે જે ચિંતા ઉપજાવે તેવુ છે. એક માસમાં જ ૭ ગણા કેસ વધી ગયા છે. રોજેરોજ આંકડાઓ આવે છે અને મૃત્યુઆંક નોંધાઈ છે તે બિહામણી સ્થિતિનો ચિતાર આપે છે.
છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૮૯૧૨૯ કેસ નોંધાયા છે અને ૭૧૪ લોકોના મોત થયા છે જ્યારે બ્રાઝીલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૭૩૬૫ અને અમેરિકામાં ૬૫૨૮૧ કેસ નોંધાયા છે. આ રીતે ભારતે દૈનિક કેસના મામલે આ બન્ને રાષ્ટ્રોને પછાડી દીધા છે અને દૈનિક કેસમાં પહેલા નંબરે પહોેંચી ગયુ છે.
દેશમાં અત્યારસુધીમાં લગભગ ૧,૨૩,૯૨,૨૬૦ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ ૧.૧૫ કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. તો ૧.૬૪ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યાં વધીને ૬,૫૮,૯૦૯ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પ્રતિદિન કોરોના કેસની સંખ્યા ૫૦૦૦૦ ની આસપાસ પહોંચવા આવી છે. જેને લઈને આગામી બે દિવસમાં મહારાષ્ટ્રમાં આકરા પ્રતિબંધો આવી શકે છે. ત્યારે દેશમાં કોરોનાની બીજી લહેરમાં સૌથી ખરાબ રીતે પ્રભાવિત ૬ રાજ્યોની સ્થિતિ પર પણ નજર કરીએ.
પંજાબમાં શુક્રવારે અહીં ૨,૮૭૩ નવા દર્દી મળ્યા હતા. ૨,૦૦૨ સાજા થયા હતા, જ્યારે ૫૭ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં ૨.૪૫ લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી ૨.૧૩ લાખ સાજા થયા છે, જ્યારે ૬,૯૮૩ લોકોનાં મોત થયાં છે. હાલમાં ૨૫,૪૫૮ લોકો સારવાર લઈ રહ્યા છે.
દિલ્હીમાં શુક્રવારે અહીં ૩,૫૯૪ નવા કેસ આવ્યા હતા. ૨,૦૮૪ દર્દી સાજા થયા અને ૧૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં. અત્યારસુધીમાં આ મહામારીથી ૬.૬૮ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે, ૬.૪૫ લાખ લોકો સાજા થયા અને ૧૧,૦૫૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં ૧૧,૯૯૪ લોકોની સારવાર ચાલી રહી છે.
મધ્યપ્રદેશમાં શુક્રવારે, ૨,૭૭૭ નવા દર્દી મળી આવ્યા. ૧,૪૮૨ લોકો સાજા થયા, જ્યારે ૧૬ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં ૩ લાખ લોકો કોરોના સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, એમાંથી ૨.૭૭ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૪,૦૧૪ લોકોનાં મૃત્યુ થયાં છે હાલમાં ૧૯,૩૩૬ લોકો સારવાર લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: