ઝાલોદના ડુંગરી ગામેથી રૂા.૧,૦૨,૦૦૦નો વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે એક બુટલેગરે એક મકાનમાં વિદેશી દારૂનો મોટી માત્રામાં વેપલો કરતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ કરતાં બુટલેગર પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે મકાનમાંથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ મળી કુલ રૂા.૧,૦૨,૦૦૦નો પ્રોહી જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝાલોદ તાલુકાના ગામતળ ગામે રહેતો વિજયભાઈ ખુમાનભાઈ ડામોરે ગત તા.૦૩જી એપ્રિલના રોજ ડુંગરી ગામે એક મકાનમાં વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમી મળતાંની સાથે પોલીસે મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ કરતાં વિજયભાઈ પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ.૨૫ જેમાં બોટલો નંગ.૭૬૮ કિંમત રૂા.૧,૦૨,૦૦૦નો પ્રોહી જથ્થો કબજે કરી લીમડી પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.