જિલ્લા સેવા સદન ખાતે આજે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લાના ડીજે સંચાલકો સાથે બેઠક યોજાઇ : ડીજે સંચાલકો સરકારના ડીજે વગાડવા બાબતના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરે નહીં તો કડક કાયદેસરની કાર્યવાહી કરાશે
નિયમોનું ચોકસાઇથી પાલન થાય એ માટે ડીજે સંચાલકોને જિલ્લામાં એક યુનિયન બનાવવા પણ સૂચન
દાહોદ તા. ૬
જિલ્લા સેવા સદન ખાતે આજે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લાના ડીજે સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ ડીજે સંચાલકોને સરકાર દ્વારા ડીજે વગાડવા બાબતના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું હતું. કોરોના સંક્રમણના સમયમાં ડીજે સંચાલકો દ્વારા મોડી રાત સુધી અને નિયત ડેસીબલ કરતા ઊંચા અવાજે ડીજે વગાડતા હોવાની બાબત ધ્યાનમાં આવતા કલેક્ટરશ્રીએ જો ડીજે સંચાલકો નિયમોનું પાલન ન કરે તો કડક કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. ઉપરાંત જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ડીજે પર પ્રતિબંધ મૂકવા પડે એવો વારો ન આવે તેનું ધ્યાન તમામ ડીજે સંચાલકો રાખે તેમ પણ જણાવ્યું હતું.
બેઠકમાં કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, જિલ્લામાં ડીજે સંચાલકો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોનું ચુસ્ત પાલન કરી રહ્યાં નથી. રાતના ૧૦ વાગ્યા સુધી જ ડીજે વગાડી શકાય છે, પણ મોડી રાત સુધી ડીજે વગાડતા હોવાની ફરીયાદો મળી રહી છે. ઉપરાંત નિયત ડેસીબલ કરતા ઉંચે અવાજે ડીજે પણ વાગી રહ્યાં છે. કોઇ પણ ડીજે સંચાલક નિયમોનો ભંગ કરતો જણાશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જે યજમાનના ઘરે ડીજે વાગી રહ્યો હશે તેના પર પણ કડક કાર્યવાહી થશે. આ માટેના જરૂરી સૂચનો પોલીસ વિભાગને આપવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, જિલ્લાના તમામ નાના મોટા ડીજે સંચાલકોએ એક યુનિયન બનાવવાની જરૂર છે અને તમામે સરકારના નિયમોનું પાલન કરવા સંબધિત નિયમો બનાવી ચુસ્ત પાલન કરવું જોઇએ. સૌ ડીજે સંચાલકોએ યુનિયન બનાવી કોઇ પણ ડીજે સંચાલકને સરકારના નિયમો તોડવાથી રોકવો જોઇએ.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એમ. જે. દવે અને નાયબ મામલતદાર શ્રી ભરત ખાંટ ઉપસ્થિત રહ્યા હતા.