કોરોના વધતા પ્રકોપને લઇને ઝાયડ્સ હોસ્પિટલમાં વધુ ૨૫૦ બેડની વ્યવસ્થા કરાશે : વરિષ્ઠ સનદી અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલે દાહોદ નગરની વિવિધ હોસ્પિટલની મુલાકાતો સાથે તબક્કાવાર વિવિધ સ્ટેક હોલ્ડર સાથે બેઠકો યોજી
દાહોદમાં કોરોના ટેસ્ટિંગ માટે ઓપન બૂથ ખોલવામાં આવશે, નાગરિકો વિનામૂલ્યે ટેસ્ટિંગ કરાવી શકશે, પ્રતિદિન ચાર હજાર ટેસ્ટિંગ થશે
ભીડ થાય એવી પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકી દેવાશે, દાહોદમાં વિવિધ સ્થળે ભરાતા હાટ બજારો ઉપર પ્રતિબંધ મૂકતા કલેક્ટરશ્રી
ધન્વંતરિ રથમાં સરેરાશ ૧૬૦ વ્યક્તિની આરોગ્યની તપાસ સાથે આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથિક દવાનું વિતરણ
દાહોદમાં વધતા જતાં કોરોના પ્રકોપમાં દર્દીઓને સારી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ખાસ નિમાયેલા વરિષ્ઠ સનદી અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલે દાહોદ નગરની વિવિધ હોસ્પિટલની મુલાકાતો સાથે તબક્કાવાર વિવિધ સ્ટેક હોલ્ડર સાથે બેઠકો યોજી કેટલીક મહત્વપૂર્ણ બાબતોની જાણકારીની આપલે કરી હતી. હતી.
આજે સાંજના સમયે કલેક્ટર ઓફિસ ખાતે શ્રી બેનીવાલે નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તેમાં એવી માહિતી અપાઇ હતી કે, દાહોદમાં હાલમાં ૧૩૧ આઇસીયુ બેડ, ૨૯૩ ઓક્સીજન બેડ અને ૯૩ નોર્મલ બેડ ઉપલબ્ધ છે. આ ઉપરાંત તાલુકા મથકો ઉપર પણ કોવીડ કેર સેન્ટરની વ્યવસ્થા રાખવામાં આવી છે. તાલુકાની સરકારી હોસ્પિટલમાં પણ ૧૦ પથારી ઓક્સીજનની સુવિધા સાથે રાખવામાં આવી છે. ઝાયડ્સ હોસ્પિટલમાં વધુ ૨૫૦ પથારીની વ્યવસ્થા ઓક્સીજનની સુવિધા સાથે કરવામાં આવશે.
દાહોદમાં એક સરકારી અને નવ ખાનગી મળી કુલ દસ દવાખાનામાં હાલની સ્થિતિએ આઇસીયુ ૧૩૧ બેડ પૈકી ૮૯ બેડ ભરાયેલા છે અને ૪૨ ખાલી છે. જ્યારે, ૨૬૬ ઓક્સીજન બેડ પૈકી ૧૨૨ પથારી ભરાયેલી છે. દર્દીઓની યોગ્ય રીતે સારવાર થઇ શકે એવી વ્યવસ્થા છે.
તેમણે આ બેઠકમાં એવું પણ જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેરમાં ત્રણ બાબતો ઉપર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. સર્વેલન્સ, ટેસ્ટિંગ અને આઇસોલેશન, આ ત્રણ બાબતો પરત્વે કામગીરી કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં અત્યારે ૫૫ જેટલી ધન્વંતરિ રથો કાર્યરત કરી દેવામાં આવી રહ્યા છે. એક રથ દ્વારા સરેરાશ ૧૬૦ વ્યક્તિને રોજેરોજ તપાસવામાં આવે છે. તેની સાથે આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથિક દવાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
જ્યારે ટેસ્ટિંગની બાબતમાં તેમણે ઉમેર્યું કે, જેમ વધુ વ્યક્તિનું ટેસ્ટિંગ થાય એમ આપણે દર્દીઓના દર્દીઓને ઓળખી શકશું. કેમકે, મોટાભાગના કિસ્સામાં દર્દીઓને કોરોના વાયરસના કોઇ લક્ષણ ના હોવાથી તેમને ખબર પડતી નથી. ટેસ્ટિંગ કરવાથી તેને આઇસોલેટ કરી સમયસર સારવાર કરી શકાય અને તેમને ગંભીર સ્થિતિમાંથી ઉગારી શકાય છે.
દાહોદ નગર ઉપરાંત જિલ્લામાં ઓપન ટેસ્ટિંગ બૂથ શરૂ કરવામાં આવશે. દાહોદ નગરપાલિકા સૂચવે ત્યાં આવા ટેસ્ટિંગ બૂથ કરવામાં આવશે. જ્યાં નાગરિકો સ્વયં આવી કોરોના વાયરસનું ટેસ્ટિંગ કરાવી શકશે. આ બૂથ આગામી બેત્રણ દિવસોમાં જ શરૂ કરી દેવામાં આવશે. દાહોદમાં પ્રતિદિન ચાર હજાર વ્યક્તિનું કોરોના ટેસ્ટિંગ થાય એવું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે નગરપાલિકાના પદાધિકારીઓને માસ્કનું વિતરણ વ્યાપકપણે કરવા માટે પણ સૂચન કરતા કહ્યું કે, કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે લોકોનો સહયોગ ખૂબ જ જરૂરી છે. લોકો સહકાર આપે, બીજી લહેર ખતરનાક છે. એસએમએસના નિયમોનું પાલન કરે તે જરૂરી છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ બેઠકમાં કહ્યું કે, જ્યાં ભીડ થવાની શક્યતા હોઇ એવી પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભરાતી હાટ બજારો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે કોઇ સ્થળે હાટ બજાર ભરી શકાશે નહી. આ ઉપરાંત, માસ્ક ના પહેરી બહાર નીકળતા લોકોને સામે કાર્યવાહી કરવા માટે પણ ઝૂંબેશ ઉપાડવામાં આવી છે. શ્રી ખરાડીએ એમ પણ કહ્યું કે દાહોદ જિલ્લામાં જો કોઇ સ્થળે ખાનગી રીતે વિદ્યાર્થીઓને બોલાવી ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવતા હોય તો તેની સામે પણ કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવશે. ટ્યુશન સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
દાહોદમાં વેક્સીનેશન માટે વ્યાપક કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. રેડક્રોસ સોસાયટી જેવા અન્ય કોઇ સ્થળે પણ આવુ સેન્ટર શરૂ કરવામાં આવશે.
આ બન્ને વરિષ્ઠ અધિકારીઓએ નાગરિકોને વિનંતી કરી છે કે, કામ પૂરતું જ ઘરની બહાર નીકળવાનું રાખવું પડશે. ઘરની બહાર નીકળતી વખતે માસ્ક અચૂક પહેરીએ. હાથ સેનિટાઇઝ કરતા રહેવું પડશે.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી શીતલ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી લખન રાજગોર, દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચાર્મી સોની ઉપરાંત શ્રી રાજેશ સહેતાઇ, શ્રી કાઇદ ચુનાવાલા, વાસીફખાન મોલવી, અહેમદભાઈ ચાંદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા ઉપસ્થિત રહ્યા હતા.