દાહોદમાં છેલ્લા નવ દિવસમાં માસ્ક નહીં પહેરનારા નાગરિકોને રૂ. આઠ લાખનો દંડ : દાહોદ પોલીસ દ્વારા જાહેરનામા ભંગની ૧૨૪ ફરિયાદો કરી ૧૪૨ વ્યક્તિની ધરપકડ કરાઇ

દાહોદમાં વધતા જતાં કોરોના વાયરસના સંક્રમણની જાણે કોઇ પરવાહ જ ના હોય તેમ માસ્ક પહેર્યા વીના બહાર નીકળતી પડતા નાગરિકોની સામે હવે પોલીસ દ્વારા દંડ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. દાહોદ પોલીસ દ્વારા છેલ્લા નવ દિવસમાં માસ્ક ના પહેરનારા નાગરિકોને રૂ. આઠ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે માહિતી આપતા જણાવ્યું કે કોરોના કાળમાં દાહોદ પોલીસ દ્વારા સંવેદનાપૂર્વક કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા એક લાખ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. આમ, છતાં હજુ પણ નાગરિકો માસ્ક પહેરવા બાબતે ગંભીર દેખાતા નથી. હાલમાં એસએમએસના નિયમોનું પાલન જ કોરોના સામે અસરકારક હથિયાર છે.
તેમણે ઉમેર્યું કે, દાહોદમાં નાઇટ કર્ફ્યુ અમલમાં છે અને રાત્રીના આઠ વાગ્યાથી સવારના ૬ વાગ્યા દરમિયાનની સંચારબંધીમાં કોઇ નાગરિક ઘરની બહાર ના નીકળે તે જરૂરી છે. વેપારીઓ, શાકભાજીના વેપારીઓ, દુકાનદારો આ બાબતનો ખાસ ખ્યાલ રાખે તે તેઓ પોતાના વેપારધંધા સમયસર આટોપી લે. જેથી સંચારબંધી દરમિયાન સમયસર ઘરે પહોંચી શકાય. આ ઉપરાંત, દિવસ દરમિયાન વેપારધંધાના સ્થળ ઉપર ગ્રાહકોની ભીડ ના થાય તેની તકેદારી રાખે, કોરોના માર્ગદર્શિકાનો ભંગ થતો જણાશે તો એવા વેપારી સામે નિમયોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું દાહોદ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની માર્ગદર્શિકાનું પાલન ચુસ્તપણે કરાવવામાં આવશે. પોલીસ દ્વારા આવા ઝોનમાં રાઉન્ડ ગોઠવવામાં આવશે. જેથી ત્યાં આવાગમનને નિયંત્રિત કરી શકાય. આ ઝોનના નિમયોનો ભંગ થતો જણાય તો પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.
દાહોદ જિલ્લામાં છેલ્લા નવ દિવસમાં જાહેરનામાના ભંગ બદલની ૧૨૪ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને તે સબબ ૧૪૨ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

