જિલ્લામાં જાહેર હરવા ફરવાના સ્થળોએ લોકોને એકઠા થવા પર સંપૂર્ણ પ્રતિબંધ : કોરોના સંક્રમણને રોકવા ગરબાડા, લીમખેડા, સંજેલી, સીંગવડ અને ધાનપુર ગામોમાં પણ રાત્રી સંચારબંધી


આગામી તા. ૩૦ એપ્રીલ સુધી રાત્રીના ૮ થી સવારના ૬ સુધી સંચારબંધી રહેશે
દાહોદ તા. ૧૦

દાહોદ જિલ્લામાં કોરોના તીવ્ર ઝડપથી પ્રસરી રહ્યો છે ત્યારે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ વધુ કેટલાંક ગામો જયાં સતત કોરોનાના નવા કેસો નોંધાઇ રહ્યાં છે ત્યાં સાંજના ૮ કલાક થી સવારના ૬ કલાક સુધી સંચારબંધી લાગુ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ આજ તા. ૧૦ થી આગામી તા. ૩૦ એપ્રીલ સુધી ગરબાડા ગામ, લીમખેડા ગામ, સંજેલી ગામ, સીંગવડ ગામ, ધાનપુર ગામમાં ઉક્ત સમય દરમિયાન સંચારબંધી રહેશે. આ વિસ્તારોમાં કરફ્યુના સમય દરમિયાન લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમ યોજી શકાશે નહીં. તેમજ આ વિસ્તારોમાંથી ભારે વાહનો પસાર થઇ શકશે પરંતુ રોકાણ કરી શકશે નહી. કોરોના સંક્રમણને રોકવા માટે જાહેરનામામાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જિલ્લામાં જાહેર હરવા ફરવાના સ્થળોએ જાહેર જનતાને એકઠા થવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. આ હુકમ પણ આજથી લઇને આગામી તા. ૩૦ એપ્રીલ સુધી અમલમાં રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કલેક્ટરશ્રીએ અગાઉ એક જાહેરનામાં દ્વારા દાહોદ નગર, ઝાલોદ નગર, લીમડી ગામ, ફતેપુરા ગામ અને દેવગઢ બારીયા નગરમાં પણ રાત્રી કરફ્યું અમલમાં મૂકયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!