સમગ્ર દાહોદ જિલ્લામાં બપોર બાદ ચાર : વાગ્યાથી સ્વયંભૂ કર્ફ્યુ પાળવામાં આવશે


વધતા જતાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ વેપારી મંડળોનો સ્તુત્ય નિર્ણય
દાહોદ જિલ્લામાં છેલ્લા એક તબક્કાથી કોરોના વાયરસના કેસોમાં થઇ રહેલા ચિંતાજનક વધારાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તબક્કાવાર વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે. તેમાં હવે દાહોદ જિલ્લાના વિવિધ વેપારી મંડળોનો પણ સહયોગ સાંપડ્યો છે. ખાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ અને કલેક્ટર શ્રી વિજય ખરાડી સાથે બેઠકો બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર દાહોદ જિલ્લામાં બપોર બાદ ચાર વાગ્યાથી સ્વયંભૂ કર્ફ્યુ પાળવામાં આવશે. વેપારી મંડળોનો આ નિર્ણય આવકારદાયક છે.
આપણે સૌ સુવિદિત છીએ કે કોરોના વાયરસની બીજી લહેર વધુ ખતરનાક છે. વાયરસનું સંક્રમણ તીવ્રગતિથી ફેલાઇ રહ્યું છે. તેને રોકવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારના પગલાંઓ લઇ રહી છે. પણ જ્યાં સુધી લોકસહકાર ના મળે ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓ અપૂર્ણ છે. તે બાબતને ધ્યાને રાખીને દાહોદ જિલ્લાના વેપારી મંડળોએ સહકારમાં એક કદમ આગળ વધાર્યું છે અને ઉક્ત નિર્ણય લીધો છે.
બેઠકમાં ચર્ચા થયા બાદ એવું જાહેર કરવામાં આવ્યું છે કે, સમગ્ર દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રકોપ શાંત ના થાય ત્યાં સુધી બપોર બાદ વેપારધંધા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. નાગરિકોએ આ બાબતની નોંધ લઇ બપોર બાદ ઘરની બહાર ખરીદીના હેતુંથી બહાર નીકળવું નહી. આ નિર્ણય નાગરિકોના વ્યાપક હિતમાં છે. આ નિર્ણય સમગ્ર દાહોદ જિલ્લામાં લાગું પડશે. હવે, બપોરના ચાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં રહેશે.
જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ઉક્ત બાબતમાં સંપૂર્ણ સહયોગ આપશે. તેવું કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: