દાહોદમાં વધુ ચાર ખાનગી હોસ્પિટલને કોરોનાના : દર્દીની સારવાર માટે મંજૂરી આપતું તંત્ર
ઝાલોદમાં માઇલ્ડ દર્દીઓની સારવાર માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જિલ્લા વહીવટી તંત્રની મંજૂરી
દાહોદમાં કોરોના વાયરસના વધતા જતાં પ્રકોપમાં દર્દીઓને સારવારમાં કોઇ ઉણપના રહે તે માટે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જિલ્લાની ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોના સંક્રમિત દર્દીઓની રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા દરે સારવાર માટે નિયત કરી છે. તેની સાથે જિલ્લામાં પ્રથમ વખત ખાનગી કોવિડ કેસ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ઝાલોદના અગ્રવાલ ગેસ્ટ હાઉસમાં ડો. હેમંત શાહને કોરોના વાયરસના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે સીસીસી શરૂ કરવા માટે મંજૂરી આપી છે.
ઝાલોદમાં સંજીવની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે ડેઝીગ્નેટ કરવામાં આવી છે. અહીં દર્દીઓને ૧૦ આઇસીયુ પથારી, ૧૦ સેમિ સ્પેશ્યલ રૂમ મળી શકશે. ૭ સામાન્ય પથારી પણ છે. આ ઉપરાંત ઝાલોદમાં જ ડો. આકાશ હાડાની રાધિકા હોસ્પિટલને પણ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવી છે. જ્યારે, દાહોદની માલવ હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલ તરીકે ડેઝીગ્નેટ કરાઇ છે. ત્યાં સાત પથારી આસીયુ, સાત જનરલ બેડ અને ૨૧ સ્પેશ્યલ રૂમ છે.
ખાનગી કોવિડ કેર સેન્ટરમાં પ્રતિ દિનનો ચાર્જ રૂ. ૧૫૦૦ અને કોવિડ હેલ્થ સેન્ટરમાં સારવારનો ચાર્જ રૂ. બે હજાર નિયત કરવામાં આવ્યો છે. બાકીના આઇસીયુ, વેન્ટીલેટરના ચાર્જ રાજ્ય સરકાર દ્વારા આ પૂર્વે નિયત કરાયા છે, એ પ્રમાણે લેવામાં આવશે.

