લીમખેડાના ડાભડા ગામે ફોર વ્હીલર ગાડીના ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતાં એક ૧૪ વર્ષીય સગીરાનું મોત : પિતા ગંભીર
દાહોદ તા.૧૪
લીમખેડા તાલુકાના દાભડા ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ પિતા- પુત્રની એક મોટરસાઈકલ ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર એક ૧૪ વર્ષીય બાળકી અને એક વ્યક્તિ જમીન પર ફંગોળાતાં જેને પગલે ૧૪ વર્ષીય બાળકીને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યાનું જ્યારે વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે સરપંચ ફળિયામાં રહેતા કાળુભાઈ સિસકાભાઈ તથા તેમની સાથે તેમની ૧૪ વર્ષીય પુત્રી આશાબેન કાળુભાઈને મોટરસાઈકલ પર લઈ દાભડા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કાળુભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં કાળુભાઈ અને તેમની પુત્રી આશાબેન બંન્ને જમીન પર ફંગોળાયાં હતાં જેને પગલે આશાબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે કાળુભાઈને શરીરે અને માથાના બાગે ઈજાઓ પહોંચતા તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ખીરખાઈ ગામે સરપંચ ફળિયામાં રહેતાં મહેશભાઈ કાળુભાઈ દેવધાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.