દાહોદ જિલ્લામાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસો સામે આવ્યાં : એકજ દિવસમાં ૯૮ કેરોના પોઝીટીવ : ૧૧ના મોતને પગલે જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો
દાહોદ તા.૧૯
દાહોદ શહેરમાં એક તરફ ગુજરાતના મુખ્યમંત્રીના આગમન પહેલા જ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો સામે આવ્યાં છે. દાહોદ જિલ્લામાં આજે કોરોના કાળના હાઈએસ્ટ કેસો સામે આવતાં જિલ્લાવાસીઓના જીવ હવે તાળવે ચોંટ્યાં છે. આજે એકજ દિવસમાં ૯૮ કેસો નોંધાતાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે મૃત્યુદરના આંકડાઓમાં પણ તોતિંગ વધારો થતો જાેવા મળી રહ્યો છે. આજે કોરોનાથી કુલ ૧૧ દર્દીઓ મોતને ભેટ્યાં હતાં, આમ, જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો ૩૯૫૮ ને પાર થઈ ગયો છે.
આજે તારીખ ૧૯મી એપ્રિલે તો કોરોનાએ પોતાનું વિકરાળ રૂપ ધારણ કર્યું છે. કોરોના કાળના ઈતિહાસમાં અને તે પણ દાહોદ જિલ્લામાં ન નોંધાયેલ આંકડા ચાલુ વર્ષે સામે આવી રહ્યાં છે. આજે રેકોર્ડ બ્રેક ૯૮ કેસો નોંધાતાં જિલ્લાવાસીઓમાં હવે ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. રોજે રોજ દાહોદના હિન્દુ સ્માશાન ગૃહ સહિત કબ્રસ્તાનોમાં અસંખ્ય કોરોના દર્દીઓની અંતિમ વિધિ પણ કરવામાં આવી રહી છે. જાણવા મળ્યાં અનુસાર, દાહોદના હિન્દુ સ્મશાનગૃહમાં આજે કોરોનાથી ૧૫ જેટલા લોકોને કોરોના ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં ત્યારે સરકાર આંકડામાં આજે મૃત્યુ આંક ૧૧ દર્શાવાયો છે. દિનપ્રતિદિન વધતાં કોરોના કેસોને પગલે હવે દાહોદ જિલ્લામાં લોકડાઉન કરવું અતિ આવશ્યક બન્યું છે. લોકડાઉનથી કોરોના સંક્રમણની ચેઈન તુટી શકે તેમ છે. દાહોદ જિલ્લામાં કોરોના હવે વિકરાળુ રૂપ ધારણ કરી ચુંક્યો છે. વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને ડોક્ટરોના હાથમાંથી પરિસ્થિતી કાબુ બહાર નીકળી જાય છે. દર્દીઓના રાફડે રાફડા હોસ્પિટલોમાં ઉભરાતાં જાેવા મળી રહ્યાં છે. સ્મશાન ગૃહોમાં સળગતી ચિતાઓના દ્રશ્યો હ્ય્દય કંપવાની નાખે છે. આજે આવેલા ૯૮ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૬, દાહોદ ગ્રામ્યમાંથી ૧૨, ઝાલોદ અર્બનમાંથી ૦૯, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૭, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૧૦, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૬, લીમખેડામાંથી ૧૧, સીંગવડમાંથી ૦૬, ગરબાડામાંથી ૦૭, ધાનપુરમાંથી ૦૪, ફતેપુરામાંથી ૦૭ અને સંજેલીમાંથી ૦૩ કેસોનો સમાવેશ થાય છે.