દાહોદના ગ્રામ્યકક્ષાએ સેવા આપતા તબીબો પણ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરે તેવી કાર્યવાહી કરવા માટે તંત્રને મુખ્યમંત્રીશ્રી સૂચના

ઝાયડ્સ હોસ્પિટલમાં કાલથી લોકોની સેવામાં સિટી સ્કેનની સુવિધા શરૂ કરવાની મુખ્યમંત્રીશ્રી જાહેરાત


દાહોદ તા.૨૦
કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાતમાહિતી મેળવવા માટેના ઉપક્રમ અનુસંધાને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આજે દાહોદ પહોંચ્યા હતા. તેમણે અહીં જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી આગામી સપ્તાહમાં ૩૦૦ પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે.
ઉક્ત બાબતમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું કે, દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. એટલે, દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૫, ૨૬ અને ૨૭ના રોજ મોટા પ્રમાણમાં લગ્નગાળો છે. તેમાં કોવિડની એસઓપીનું પાલન થાય તે જોવાની જેતે વિસ્તારના પોલીસ સ્ટેશનને જવાબદારી સોંપવામાં આવી છે. જો લગ્નમાં નિયત કરતા વધુ ભીડ જોવા મળશે, તો જવાબદાર પોલીસ અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે.
શ્રી રૂપાણીએ કહ્યું કે, દાહોદ જિલ્લામાં જે વિસ્તારોમાંથી વધુ કોરોનાના કેસો મળી આવે છે, ત્યાં ટેસ્ટ, ટ્રેસિંગ અને આઇસોલેટ કાર્યમંત્રને આધારે લોકસહકારથી ઘનિષ્ઠ આરોગ્ય ચકાસણીની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. દર્દીઓને આરોગ્યલક્ષી દવાઓની કિટ્સ પણ આપવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટેની સ્થાનિક પ્રશાસનને સૂચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી, ગ્રામ્યકક્ષાએ સેવા આપતા તબીબો પણ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરે તેવી કાર્યવાહી કરવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.
તેમણે દાહોદના નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા અને સમયસર વેક્સીન લઇ લેવા અપીલ પણ કરી હતી. તેમણે જનપ્રતિનિધિઓને પણ લોકઆરોગ્યની સુરક્ષાના અભિયાનમાં જોડવવા માટે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બેઠકમાં જિલ્લાની કોવીડ પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતે સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીને જિલ્લામાં ડેડીકેટેડ હોસ્પીટલ્સ, બેડસની ઉપલબ્ધતા, રેમડેસિવિર ઇન્જેક્શન, એન્ટીજન ટેસ્ટ કીટ, લોજીસ્ટીક્સ સહિતની તમામ બાબતો અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી સમક્ષ જિલ્લાની કોવીડ સ્થિતિ અંગે સ્પષ્ટ અને સર્વગ્રાહી ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
જે મુજબ દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સાડા ત્રણ લાખથી પણ વધુ કોવીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ટેસ્ટ પોઝિટિવીટી રેટ ૧.૧૦ ટકા છે. જયારે જિલ્લામાં કોવીડ દર્દીઓનો ડિચાર્જ રેટ ૮૯.૦૯ ટકા છે. કોરોના કેસો ડબલ થવાનો સમયગાળો ૧૫૩ દિવસ રહ્યો છે. જયારે કેસ ફેટાલીટી રેટ ૦.૧૬ છે. કોરોનાના કેસ દીઠ કરવામાં આવતા કોન્ટેક્ટ ટ્રેસીંગની સંખ્યા સરેરાશ ૨૦૬ છે. જે રાજયમાં સૌથી વધુ કોન્ટેક્ટ ટ્રેસીંગ રેશીયો પૈકીનો એક છે.
જ્યારે કોવીડનો કમ્પાઉન્ડ ડેઇલી ગ્રોથ રેટ ૧.૪૭ ટકા રહ્યો છે. પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ દૈનિક ધોરણે ૧૧૭૨ લોકોના ટેસ્ટ કરાઇ રહ્યાં છે. કોવીડની બીજી લહેરમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટેસ્ટ, ટ્રેસ અને આઇસોલેટના કાર્યમંત્ર ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા ૧૮ દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા ૫૬૬૪૭ લોકોનું સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી પોઝિટિવીટી રેટ ૧.૨૫ ટકા રહ્યો છે.
જિલ્લામાં કુલ ૨૬૫૪ ટીમ દ્વારા ૪.૨૦ લાખ લોકોથી વધુનું સીધું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. જેમાંથી ૨૩૧૧ લોકોને કોવીડ લક્ષણો જણાયા હતા. સર્વેલન્સને આધારે કુલ ૨૪૭૨ લોકોનો એન્ટીજન ટેસ્ટ અને ૧૪૧૭ લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ ૨૬૪૨૩૫ લોકોનો, જયારે પીન્ક એરીયામાં ૭૨૮૬૮ લોકોનો, એમ્બર એરીયામાં ૨૦૫૬૫ લોકોનો, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ૪૨૯૪૫ લોકોનો સર્વેલન્સ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બોર્ડર સ્ક્રિનિંગ ૧૭૯૩ લોકોનો, ધન્વંતરિ રથ દ્વારા ૫૪૫૮ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. સરકારી દવાખાનાઓ ૫૦૭૨ લોકોની અને ખાનગી હોસ્પીટલમાં ૬૨૮૬ લોકોની ઓપીડી કરવામાં આવી હતી. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન વગેરે સ્થળે સુપરસ્પેડ્રર હોય તેવા ૧૨૨૨ લોકોનું સર્વેલન્સ હાથ ધરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: