દાહોદ જિલ્લામાં રેકોર્ડ બ્રેક ૧૧૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો

દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. વધતાં કોરોના કેસોને કારણે જિલ્લાવાસીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. કોરોના સંક્રમણના કેસો ઘટવાનું નામ નથી લેતું ત્યારે આજે એકસાથે ૧૧૫ કોરોના કેસો નોંધાતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ સાથે અંદરો અંદર ભયનો માહોલ પ્રસરી રહ્યો છે. આજે વધુ ૦૮ દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવતાં શહેરના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે પણ લાંબી લાઈનો લાગી રહી છે.

કોરોના પોતાનું ભયાનક રૂપ ધારણ કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતની સાથે સાથે દાહોદ જિલ્લો પણ કોરોના સંક્રમણની રેસમાં જાણે અગ્રસર સાબીત થઈ રહ્યું છે. રોજેરોજ કેસોનો બમણો વધારો થઈ રહ્યો છે. ગઈકાલે ૧૦૦ કેસો સામે આવ્યાં હતાં ત્યારે આજે વધારે ૧૫ કેસોનો વધાતો થતાં આજે ૧૧૫ કોરોના કેસો સામે આવતાં આરોગ્ય તંત્રમાં પણ ચિંતાનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. જિલ્લાવાસીઓમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આજના ૧૧૫ કોરોના પોઝીટીવ કેસો પૈકી આર.ટી.પી.સી.આર.ના ૬૫૮ પૈકી ૬૯ અને રેપીટ ટેસ્ટના ૧૬૬૫ પૈકી ૪૬ કેસનો સમાવેશ થાય છે. આ ૧૧૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૩, દાહોદ ગ્રામ્યમાંથી ૧૯, ઝાલોદ અર્બનમાંથી ૧૮, ઝાલોદ ગ્રામ્યમાંથી ૨૪, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૨, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૩, લીમખેડામાંથી ૦૭, સીંગવડમાંથી ૦૪, ગરબાડામાંથી ૧૨, ધાનપુરમાંથી ૦૨, ફતેપુરામાંથી ૦૫ અને સંજેલીમાંથી ૦૬ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૮ કોરોના દર્દીઓ પોતાના જીવ ગુમાવતાં મૃતકોનો કુલ આંકડો ૧૯૩ને પાર પહોંચી ગયો છે. વધતાં કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યામાં બમણો વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલો હાઉસ ફુલ થઈ ગઈ છે. ૬૫૭ કોરોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. રાહતના સમાચાર એ છે કે, ૪૩ લોકોએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: