દાહોદ જિલ્લાના નગરોમાં વધતા કેસોને ધ્યાને લઇ કલેક્ટર શ્રી વિજય ખરાડીનો મહત્વનો નિર્ણય : દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારોનાં નાના – મોટા વેપારીઓ-દુકાનદારો – ફેરિયાઓએ દર ૧૦ દિવસે ફરજીયાત કોરોનાનો ટેસ્ટ કરાવવાનો રહેશે
વેપારીઓને ત્યાં કામ કરતાં શ્રમિકોને પણ દર ૧૦ દિવસે ટેસ્ટ કરાવવાનો રહેશે
વેપાર – ધંધા કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારોનાં નાના મોટા વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓ કોરોના સંક્રમણનો મોટો ભોગ બનતા જોવા મળી રહ્યાં છે અને તેમના થકી અન્ય લોકોને પણ સંક્રમણ ફેલાતું હોય કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉક્ત વિસ્તારના તમામ દુકાનદારો, ફેરીયાઓ, લારી-ગલ્લાવાળા, શાકભાજી માર્કેટ કે અન્ય રીટેલ બિઝનેશ કરવાવાળા અને તેમને ત્યાં કામ કરનારા શ્રમિકોએ દર ૧૦ દિવસે ફરજીયાત રેપીડ/આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે તેવો આજે એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.
જાહેરનામા મુજબ દરેક વેપારીએ અને તેમને ત્યાં કામ કરનારા શ્રમિકનો ટેસ્ટ કરાવી, નેગેટિવ ટેસ્ટીંગ સહિતનું કોરોના ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે. પોઝિટિવ આવનાર વેપારી કે શ્રમિક વેપાર-ધંધાના સ્થળે બેસી શકશે નહી. ઉપરાંત પોતાની દુકાન સેનેટાઈઝ કરવાની રહેશે. ધંધાના સ્થળે જે વ્યક્તિ કોરોના નેગેટિવ હોય તેઓ જ બેસીને વેપાર કરી શકશે.
વેપારના સ્થળે દરેક વેપારી તેમજ શ્રમિકે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને ગ્રાહક સાથે સામાજિક અંતર જાળવીને વેપાર કરવાનો રહેશે. ચીફ ઓફિસર અને તેઓના નિયુક્ત કરેલા પ્રતિનિધિ અને પોલીસ અધિકારીને વેપારીના કોરોના નેગેટિવ રિપોર્ટની ચકાસણી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોવીડ સંબધિત જાહેરનામાં અને અન્ય માર્ગદર્શક સૂચનાઓનું પણ દરેક વેપારીએ ચુસ્ત પાલન કરવાનું રહેશે.
જાહેરનામાની અમલવારી આજથી એટલે કે તા. ૨૪ એપ્રીલથી આગામી તા. ૩૦ એપ્રીલ સુધી દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારમાં લાગુ પડશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી અધિનિયમ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ધ ગુજરાત એપેડેમિક એક્ટની વિવિધ જોગવાઇ અનુસાર કાનુની કાર્યવાહી કરવામાં આવશે.