દેશમાં ત્રણ દિવસમાં જ નોંધાયા ૧૦ લાખ નવા કેસ, સૌથી વધુ એક્ટિવ કેસ બેંગલુરુમાં : કોરોના કહેર, ૩.૪૬ લાખ નવા કેસ અને ૨૬૦૦ મોત સાથે વધુ એક રેકોર્ડ
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૪
કોરોનાના કહેર વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી દરરોજ ૩ લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ સમાન ૩,૪૬,૭૮૬ નવા કેસ સામે આવ્યા છે અને ૨,૬૨૪ દર્દીઓના મોત થયા છે. આ સમય દરમિયાન ૨,૧૯,૮૩૮ દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. શુક્રવારે પણ દેશમાં ૩.૩૨ લાખથી વધારે કોરોનાના નવા કેસ નોંધાયા હતા. દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન જેવી જરૂરી વસ્તુઓની ભારે તંગી સર્જાઈ છે.
દેશમાં શનિવારે જાહેર થયેલા કોરોનાના નવા આંકડાઓમાં રેકોર્ડ સમાન વધારો નોંધાયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ સમાન ૩,૪૬,૭૮૬ નવા કેસ સામે આવ્યાં હતાં જ્યારે ૨,૬૨૪ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બધા વચ્ચે દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલના એમડી ડૉક્ટર ડીકે બલૂજાએ કરેલા દાવા પ્રમાણે ગઈકાલે સાંજે ઓક્સિજનની તંગીના કારણે આશરે ૨૦ જેટલા અતિ ગંભીર કોરોના દર્દીઓના મોત થયા હતા.
મહારાષ્ટ્રમાં શુક્રવારે ૨૪ કલાકમાં કોરોનાના ૬૬,૮૩૬ નવા કેસ સામે આવ્યા હતા જ્યારે ૭૪,૦૪૫ દર્દીઓ સાજા થયા હતા. આ દરમિયાન ૭૭૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજધાની દિલ્હીમાં કોરોનાના ૨૪,૩૩૧ નવા કેસ સામે આવ્યા હતા અને ૩૪૮ દર્દીઓના મોત થયા હતા. હાલ દિલ્હીમાં એક્ટિવ કેસ વધીને ૯૨,૦૨૯ થઈ ગયા છે.
દેશમાં કોરોનાના આંકડામાં સતત વધારો જાેવા મળી રહ્યો, પરંતુ વસતિની દૃષ્ટિએ ભારત અત્યારે ઘણી સારી સ્થિતિમાં છે. આ મામલે આપણે વિશ્વમાં ૧૧૯મા નંબર પર છીએ, જ્યાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ભારતમાં દર ૧૦ લાખ વસતિમાં ૧૧,૯૩૬ લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને ૧૩૬ લોકોનાં મોત થઈ રહ્યાં છે. આટલી જ સમાન વસતિમાં અમેરિકામાં ૯૮,૦૦૦, બહરીનમાં ૯૬,૦૦૦, ઇઝરાયેલમાં ૯૧,૦૦૦, ફ્રાન્સમાં ૮૩,૦૦૦, બેલ્જિયમમાં ૮૨,૦૦૦, સ્પેનમાં ૭૪,૦૦૦ અને બ્રાઝિલમાં ૬૬,૦૦૦ લોકો સંક્રમિત મળી રહ્યા છે. અહીં વસતિ દ્વારા મોતનો આંકડો પણ ઘણો વધારે છે, તેથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં હજી પણ સંક્રમણ નિયંત્રણમાં છે. જાે તમે થોડી સાવધાની અને તકેદારી રાખશો, તો એને વધુ ઘટાડી શકાય છે.
એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે દેશમાં સારવાર લેતા દર્દીઓ આજે ૨૫ લાખને પાર થઈ ગયા છે. દેશમાં હાલમાં ૨૫ લાખ ૪૩ હજાર ૯૧૪ દર્દી સારવાર લઈ રહ્યા છે. શુક્રવારે એમાં ૧ લાખ ૨૧ હજાર ૭૭૦નો વધારો થયો છે.