દાહોદના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કોરોના વોર્ડમાં જઇ દર્દીઓના ક્ષેમકુશળ પૂછ્યા : દર્દીઓની અવિરત અને અથાક શુશ્રૂષા કરી રહેલા આ તબીબો તથા સ્ટાફ નર્સીસની સેવાને કલેક્ટરશ્રીએ બિરદાવી : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત નવા બાયપેપ સિવિલને અપાયા, ઓક્સીજન વપરાશનું ઓડિટિંગ પણ કરાયું

દાહોદના કલેક્ટર શ્રી વિજય ખરાડી શનિવારની રાત્રે અહીંની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓના ક્ષેમકુશળ પૂછવા માટે રાત્રીના સમયે પહોંચી ગયા હતા. આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે તેઓ પીપીઇ કિટ પહેરી સિવિલ કોરોના વોર્ડમાં જઇ તમામ દર્દીઓને રૂબરૂ મળ્યા હતા. ત્યાં તેમને મળી રહેલી સારવાર અંગે જાત માહિતી મેળવી હતી.
અત્રેની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આ વિસ્તારના મોટા ભાગના દર્દીઓ કોરોના વાયરસની સારવાર મેળવી રહ્યા છે. ગઇ કાલ શનિવારની સ્થિતિએ ત્યાંની જૂની અને નવી બન્ને બિલ્ડીંગમાં દાખલ ૨૯૦ જેટલા દર્દીઓને તેમના બેડ પાસે જઇ કલેક્ટરશ્રીએ તેમના ખબરઅંતરની પૃચ્છા કરી હતી.
શ્રી ખરાડીએ અહીં સેવારત તબીબો, પરિચારિકાઓ સાથે પણ મુલાકાત કરી હતી. છેલ્લા ૧૩ માસથી કોવિડની સ્થિતિમાં દર્દીઓની અવિરત સેવા કરી રહેલા આ તબીબો તથા સ્ટાફ નર્સીસની ફરજને તેમણે સરાહના કરી હતી. દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપી રહેલા તબીબીની નિષ્ઠાપૂર્વક સેવાને કારણે કોરોનાકાળમાં અનેક નાગરિકોના અમૂલ્ય જીવન બચાવી શક્યા હોવાની વાત તેમણે તબીબો સાથેના વાર્તાલાપમાં કહી હતી.
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવી રહેલા ઓક્સીજનનું તેમણે તબીબોની સાથે ઓડિટિંગ પણ કર્યું હતું. ઓક્સીજન સુવિધાની જરૂરી સમીક્ષા કરાઇ હતી. તેમણે તત્કાલીક સારવાર વિભાગની મુલાકાત પણ લીધી હતી. અહીં પથારીની ક્ષમતા વધારવા માટે સૂચન કર્યું હતું.
આ મુલાકાતની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખરીદવામાં આવેલા સાત બાયપેપ ઝાયડ્સને આપવામાં આવ્યા હતા. જેનો તત્કાલ ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ ટીમ દ્વારા હેલ્પ ડેસ્કની મુલાકાત લેવાઇ હતી. જેમાં ડેસ્ક ઉપર બેસતી વ્યક્તિ જરૂરી માહિતી રાખે, પેશન્ટના પરિજનો સાથે સદ્દભાવપૂર્ણ વ્યવહાર કરે એવી સૂચના અપાઇ હતી.
આ વેળાએ આરોગ્ય અધિકારી ડો. સી. આર. પટેલ, ડો. રમેશ પહાડિયા, ઝાયડ્સના સીઓઓ ડો. સંજય કુમાર પણ સાથે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!