દાહોદના બે આરોગ્યકર્મીઓનું કોરોનાથી અકાળે અવસાન થતાં કલેક્ટરશ્રી સહિતના અધિકારીઓએ શ્રદ્ધાંજલી પાઠવી
દાહોદ તા.૨૬
કોરોના સંક્રમણથી દાહોદ જિલ્લાના બે આરોગ્યકર્મીનું અકાળે અવસાન થયું છે. રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેબ ટેકનીશયન તરીકે ફરજ બજાવતા સુશ્રી પ્રિયલબેન ચોરીયા જેઓ ફક્ત ૨૯ વર્ષના છે તેમજ છેલ્લા પાંચેક વર્ષથી આરોગ્ય કેન્દ્ર ખાતે કામગીરી કરતા હતા. તેમનું આજ રોજ અવસાન થયું છે. જયારે આરોગ્ય વિભાગમાં ડ્રગ સ્ટોર ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતા ૫૦ વર્ષના જયંતીભાઇ સોમાભાઇ માવીનું પણ કોરોનાથી ગત તા. ૨૪ ના રોજ અવસાન થયું છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ બંને આરોગ્યકર્મીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમણે કર્મચારીઓના પરિવારજનોને સહાયરકમ સમયસર મળે તે માટેની સૂચનાઓ આપી છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે પણ બંને કર્મચારીઓના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્ય આરોગ્ય અધિકારી ડો. સી.આર. પટેલ અને અધિક મુખ્ય આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયાએ આરોગ્યકર્મીઓના અકાળ અવસાને દુખ વ્યક્ત કરી શાબ્દિક શ્રદ્ધાંજલી પાઠવી હતી.