કોરના સંક્રમણના વ્યાપક દોરમાં સૌ દાહોદવાસીઓને બને એટલું ઘરમાં જ રહેવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની અપીલ : કોરોનાના લક્ષણ જણાય તો તુરત ટેસ્ટ કરાવો, મોડેથી દાખલ થતા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે

દાહોદ તા.૨૭
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ એક વીડિયો સંદેશ દ્વારા કોરોના સંક્રમણથી બચવા માટે સૌ દાહોદવાસીઓને હોમ આઇસોલેટ રહેવા અને ઘરમાં પણ માસ્ક પહેરવા જણાવ્યું છે. આ ઉપરાંત કોરોનાના લક્ષણો જણાય તો તુરત જ ટેસ્ટ કરાવી હોમ આઇસોલેટ થવું જોઇએ અને સ્થિતિ ગંભીર થાય એટલું મોડું ન કરવું જોઇએ એમ જણાવ્યું છે.
કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં જે રીતે કોરોનાના કેસોનું પ્રમાણ વધ્યું છે તેમાં પણ ખાસ કરીને દાહોદ શહેર અને દાહોદ ગ્રામ્ય, ઉપરાંત ગરબાડા, ઝાલોદ તાલુકો અને દેવગઢ બારીયા. આ વિસ્તારોમાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં નોંધાઇ રહ્યાં છે. અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ નોંધપાત્ર કેસો થઇ રહ્યાં છે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી મારી સૌને અપીલ છે કે આ સમયમાં નાગરિકો હોમ આઇસોલેટ રહે, હોમ કવોરન્ટાઇન રહે એ જરૂરી છે. ઉપરાંત ઘરમાં પણ માસ્ક પહેરશો તો કુટુંબના સભ્યોને પણ કોરોના સંક્રમણથી બચાવી શકાશે. કોરોના વોરિર્યસ તરીકે જે પણ કર્મચારીઓ કામ કરે છે, અલગ અલગ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્ટાફગણ પણ સંક્રમણના દોરમાં ખાસ સાવચેતી રાખે.
તેમણે જણાવ્યું કે, એ જરૂરી છે કે વ્યક્તિને કોરોનાના કોઇ પણ લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવી લેવો જોઇએ અને નિયમિત રીતે ટેસ્ટ કરાવતા રહેવું જોઇએ. આવા સંજોગોમાં કોઇ પણ પ્રકારનું મોડું થાય તો સ્થિતિ ગંભીર થઇ શકે છે. અત્યારે જે પણ કેસો આવે છે તેમાં જે પણ દર્દીઓ થોડું પણ મોડું કરતા હોય તો તેમને ઓક્સિજનની જરૂરત પડે છે. માટે સૌ કોઇને વિનંતી છે કે નિયમિત પણે કોરોના ટેસ્ટ કરાવતા રહેવું જોઇએ. જયારે પણ કોરોનાના લક્ષણ જણાય ત્યારે તુરત ટેસ્ટ કરાવી લેવો જોઇએ. જેથી દર્દી જયારે માઇલ્ડ કે લક્ષણો ન જણાતા હોય ત્યારે જ ખબર પડી જાય તો હોમ આઇસોલેશનમાં રહીને સાજા થઇ શકીશું જેથી અન્ય લોકોને કોરોનાથી સંક્રમિત થતા બચાવી શકાશે. તેથી ફરીથી સૌ દાહોદવાસીઓને હોમ આઇસોલેટ રહેવા વિનંતી કરૂં છું. સાથે ટેસ્ટ કરાવતા રહેવું પણ જરૂરી છે અને શરદી-ખાંસી કે તાવ જેવા લક્ષણ જણાય તો તરત કોરોના ટેસ્ટ કરાવવો જોઇએ અને મોડું ન કરવું જોઇએ. આ બાબતોનું આપણે પૂરતું ધ્યાન રાખીશું તો આવનારા કપરા સમયથી બચી શકીશું, ઓછા કેસો થશે અને કોરોનાને હરાવી શકીશું.