લીમડી, સુખસર, સંજેલી, સીંગવડ, પીપલોદ, લીમખેડા, પાલ્લી, ધાનપુર, ગરબાડા, જેસાવાડા ગામમાં કોરોના કેસો વધતા લેવાયો નિર્ણય : દાહોદ જિલ્લાના ૧૦ ગામોના વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે ટેસ્ટ ફરજીયાત કરાવવા કલેક્ટરશ્રીનો આદેશ : પારીઓને ત્યાં કામ કરતાં શ્રમિકોએ દર ૧૦ દિવસે ટેસ્ટ કરાવવાનો રહેશે : વેપાર – ધંધા કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે

દાહોદ તા. ૨૮

દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો મોટી સંખ્યામાં નોંધાતા હોય કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ૧૦ ગામોના વેપારીઓ-દુકાનદારો-ફેરીયાઓ અને તેમને ત્યાં કામ કરનારા શ્રમિકોને પણ દર ૧૦ દિવસે રેપીડ/આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાવવાનો રહેશે તેવો એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે. આ ગામોમાં લીમડી ગામ, સુખસર, સંજેલી, સીંગવડ, પીપલોદ, લીમખેડા, પાલ્લી, ધાનપુર, ગરબાડા, જેસાવાડા ગામનો સમાવેશ થાય છે. અહીંના તમામ દુકાનદારો, ફેરીયાઓ, લારીગલ્લાવાળા, શાકભાજી માર્કેટ કે અન્ય રીટેલ બિઝનેશ કરનારા તમામ વેપારીઓ અને તેમને ત્યાં કામ કરનારા શ્રમિકોએ દર ૧૦ દિવસે રેપીડ-આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવાનો રહેશે.
જાહેરનામા મુજબ દરેક વેપારીએ અને તેમને ત્યાં કામ કરનારા શ્રમિકનો ટેસ્ટ કરાવી, નેગેટિવ ટેસ્ટીંગ સહિતનું કોરોના ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે. પોઝિટિવ આવનાર વેપારી કે શ્રમિક વેપાર-ધંધાના સ્થળે બેસી શકશે નહી. ઉપરાંત પોતાની દુકાન સેનેટાઈઝ કરવાની રહેશે. ધંધાના સ્થળે જે વ્યક્તિ કોરોના નેગેટિવ હોય તેઓ જ બેસીને વેપાર કરી શકશે.
વેપારના સ્થળે દરેક વેપારી તેમજ શ્રમિકે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને ગ્રાહક સાથે સામાજિક અંતર જાળવીને વેપાર કરવાનો રહેશે. તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તેઓના નિયુક્ત કરેલા પ્રતિનિધિ અને પોલીસ અધિકારીને વેપારીના કોરોના નેગેટિવ રિપોર્ટની ચકાસણી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોવીડ સંબધિત જાહેરનામાં અને અન્ય માર્ગદર્શક સૂચનાઓનું પણ દરેક વેપારીએ ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ જાહેરનામું ઉક્ત જણાવેલા ગામોમાં તા. ૨૮ એપ્રીલથી આગામી તા. ૩૧ મે સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી અધિનિયમ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ધ ગુજરાત એપેડેમિક એક્ટની વિવિધ જોગવાઇ અનુસાર કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!