અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ચોથા ક્રમે ભારત ચોથો દેશ, જ્યાં સંક્રમણથી ૨ લાખ દર્દીનાં મૃત્યુ થયાં : ભયજનક સ્થિતિ, ૨૪ કલાકમાં ૩ હજારથી વધુ મૃત્યુ : ૩.૬૦ લાખથી નવા કેસ
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૮
દેશમાં કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. છેલ્લા એકાદ સપ્તાહથી દેશમાં દરરોજ કોરોનાના ૩ લાખથી પણ વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં પહેલી વખત ૩,૦૦૦થી પણ વધારે લોકોના મોત થયા છે. વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં હોસ્પિટલોની સ્થિતિ પણ ખૂબ જ ભયાનક છે.
તાજેતરના અહેવાલ પ્રમાણે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૩.૬૨ લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૩,૨૮૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ ભારતમાં કુલ મૃતકઆંક પણ ૨ લાખને પાર કરી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૩,૬૨,૯૦૨ નવા કેસની સાથે દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૨૯,૭૨,૧૦૬એ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં દેશમાં કુલ ૧,૭૯,૮૮,૬૩૭ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને તે પૈકીના કુલ ૨,૦૧,૧૬૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમાં કોરોનાના કારણે થયેલા કુલ મૃત્યુ મામલે ભારત ચોથા નંબરે આવી ગયું છે. સૌથી વધુ મૃત્યુ અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકોમાં થયા છે અને તેના પછીના ક્રમે ભારતનો નંબર આવે છે.
મંગળવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬૬,૩૫૮ નવા દર્દીઓ મળ્યા. આ પહેલાં અહીં ૪૮ હજાર સંક્રમિતો નોંધાયા હતા. કેરળ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ એવાં રાજ્ય છે, જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ હજારથી વધુ લોકો સંક્રમિત મળ્યા. ઉત્તરપ્રદેશમાં ૩૨,૯૨૧, કેરળમાં ૩૨,૮૧૯ અને કર્ણાટકમાં ૩૧,૮૩૦ સંક્રમિત નોંધાયા છે.
અલગ-અલગ શહેરો પ્રમાણે જાેવામાં આવે તો હાલ સૌથી વધુ દર્દીઓ બેંગલુરુમાં છે. અહીં એક્ટિવ દર્દીઓની સંખ્યા ૨ લાખ ૬ હજાર ૨૨૩ છે. અત્યારસુધીમાં આ શહેરમાં ૬ લાખ ૮૭ હજાર ૭૫૧ સંક્રમિત નોંધાયા છે, તેમાંથી ૪ લાખ ૭૫ હજાર ૫૨૫ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૬૦૦૨ દર્દીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. દેશમાં બીજા નંબરે પુણે છે. અહીં ૧ લાખ ૪ હજાર ૫૬૧ એક્ટિવ કેસ છે, જ્યારે દિલ્હીમાં ૯૮૨૬૪ એક્ટિવ કેસ છે.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી રાત્રે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૬૬,૩૫૮ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સમય દરમિયાન ૬૭,૭૫૨ દર્દી રિકવર થયા છે. રાજ્યમાં અત્યાર સુધી ૪૪,૧૦૦,૮૫ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૫ દર્દીઓના મોત થયા છે. આ એક દિવસમાં મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. રાજ્યમાં સોમવારે ૪૮,૭૦૦ નવા કેસ સામે આવ્યા હતા અને ૫૨૪ લોકોના મૃત્યુ થયા હતા. મહારાષ્ટ્રમાં ૧૮ એપ્રિલે સૌથી વધુ ૬૮,૬૩૧ કેસ સામે આવ્યા હતા.
રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે સાંજે જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪૩૫૨ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૫,૨૪,૭૨૫ પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈ કાલે ૭૮૦૩ દર્દી રિક્વર થયા. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૩,૯૦,૨૨૯ લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. એક જ દિવસમાં ૧૭૦ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છો. આ સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૬૬૫૬ પર પહોંચ્યો છે.