દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સાેએ કોરોના વોર્ડમાં દર્દીઓને મનોરંજન પુરૂ પાડ્યું : રાસ, ગરબાની રમઝટ બોલાવી
દાહોદ તા.30
દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સાર સંભાળ રાખતા કોરોના વોરિયર્સ એવા ડોક્ટર, નર્સ તેમજ સ્ટાફ મિત્રોએ ગઈકાલે કોરોના વોર્ડમાં દર્દીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું. પીપીઈ પહેરી કોરોના વોરિયર્સ રાસ, ગરબા સહિતની રમઝટ બોલાવી હતી અને કોરોનાના દર્દીઓ પ્રફુલ્લિત રહે તેમજ હળવાશ અનુભવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
દાહોદ શહેર સહિત જિલ્લામાં હાલ કોરોનાના કેસો કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લાવાસીઓ માટે જીવાદોરી સમાન એવી ઝાયડસ હોસ્પિટલમાં પણ કોરોના ના દર્દીઓનો રાફડો ફાટયો છે. ઝાયડસના તમામ બેડો હાઉસફુલ થઈ ગયા છે. આવા સમયે કોરોના વોરીયસ ગણાતા તબીબો, નર્સ તેમજ સ્ટાફ મિત્રોની કામગીરીમાં તેમજ જવાબદારીમાં અનેક ગણો વધારો પણ થઇ ગયો છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલના તમામ સ્ટાફ મિત્રો નિરંતર અને નિસ્વાર્થ ભાવે પોતાની સેવા બજાવી રહ્યા છે ત્યારે ગઇકાલે ઝાયડસ હોસ્પિટલના કોરોના વોર્ડમાં સ્ટાફ મિત્રો દ્વારા રાસ,ગરબા સહિતની રમઝટ બોલાવી હતી અને કોરોનાના દર્દીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું. સાથે સાથે પોતાના કામકાજના ભારણના થાકને પણ ઓછું કરવાના પ્રયત્નો કરાયા હતા. ગઇકાલના આ દ્રશ્યોને પગલે શહેરવાસીઓએ આ કોરોના વોરિયર્સને વધાવી લીધા હતા અને તેઓની કામગીરીને બિરદાવી હતી. હોસ્પિટલના સ્ટાફ કોરોના દર્દીઓ સાથે સુલેહ અને આનંદિત વાતાવરણ ઉભુ કરી રહ્યા છે જેનાથી કોરોના દર્દીઓની માનસિક સ્થિતિ સાથે સાથે તેઓનું આરોગ્ય પણ સારું રહે તેમજ જલ્દી તેઓ સ્વસ્થ થઈ જાય તેવા પ્રયાસો પણ દાહોદના ઝાયડસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યા છે.