કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ વિવિધ જાહેરનામાઓની મુદ્દત લંબાવી : દાહોદ જિલ્લા અને દાહોદ નગર સહિત અન્ય શહેરો અને ગામોમાં લાગુ કરવામાં આવેલા નિયંત્રણો આગામી તા. ૧૨ મે સુધી અમલમાં રહેશે
દાહોદ તા. ૬
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા બહાર પાડવામાં આવેલા જાહેરનામાઓની મૃદ્દત પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આગામી તા. ૧૨ મે સુધી લંબાવી છે. જે મુજબ દાહોદ નગરમાં આગામી તા. ૧૨ મે સુધી રાત્રીના ૮ વાગેથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. રાત્રી સંચારબંધી દરમિયાન કેટલાંક નિયંત્રણોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે, જયારે ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
આ ઉપરાંત અન્ય એક જાહેરનામા દ્વારા ઝાલોદ તાલુકાના ઝાલોદ શહેર, લીમડી ગામ, દેવગઢ બારીઆ તાલુકાના દેવગઢ બારીઆ નગર, પીપલોદ ગામ, ફતેપુરા તાલુકાના ફતેપુરા ગામ, સુખસર ગામ, ગરબાડા તાલુકાના ગરબાડા ગામ, જેસાવાડા ગામ, લીમખેડા તાલુકાના લીમખેડા ગામ, પાલ્લી ગામ, સંજેલી તાલુકાના સંજેલી ગામ, સીંગવડ તાલુકાના સીંગવડ ગામ, ધાનપુર તાલુકાના ધાનપુર ગામ ખાતે જે રાત્રી કરફ્યુ (રાત્રીના ૮ વાગ્યે થી સવારના ૬ વાગ્યા સુધી) અમલમાં છે તેની મુદ્દત પણ લંબાવીને આગામી તા. ૧૨ મે સુધી કરવામાં આવી છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા સમગ્ર દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા નિયંત્રણોની મુદ્દત પણ એક જાહેરનામા દ્વારા આગામી તા. ૧૨ મે સુધી લંબાવવામાં આવી છે. ઉક્ત જાહેરનામાઓનો ભંગ કરનાર વિરૂદ્ધ વિવિધ જોગવાઇઓ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.