દુનિયામાં મહામારીના કારણે જીવ ગુમાવનારમાં દરેક ચોથો ભારતીય : દેશમાં કોરોનાનાં કેસમાં વિક્રમી ઉછાળો, ૪.૧૨ લાખ નવા દર્દી, ૩૯૭૯ના મોત

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૬
દેશમાં કોરોનાની બીજી તરંગ બેકાબૂ બની રહી છે. બુધવારે અહીં રેકોર્ડ ૪ લાખ ૧૨ હજાર ૩૭૩ કેસ નોંધાયા હતા. આ એક જ દિવસમાં નોંધાયેલ કેસનો સૌથી મોટો આંક છે. નવા કેસો સાથે મૃત્યુની સંખ્યામાં વધારો થતાં લોકોની ચિંતા પણ વધી રહી છે. ગઇકાલે વિશ્વમાં કોરોનાને કારણે ૧૪,૨૭૮ લોકોનાં મોત થયાં. આમાંથી ફક્ત ૩,૯૭૯ મોત ભારતમાં થયાં છે. એટલે કે, વિશ્વમાં મહામારીને કારણે થયેલ દરેક ચોથુ મૃત્યુ ભારતમાં જ નોંધાયું છે. જાે કે, રાહતની વાત છે કે છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૩ લાખ ૩૦ હજાર ૫૨૫ લોકો સાજા થયા છે.
આ બીજી વખત છે જ્યારે ૨૪ કલાકમાં ૪ લાખથી વધુ નવા દર્દીઓ મળી આવ્યા છે. અગાઉ ૩૦ એપ્રિલના રોજ ૪ લાખ ૨ હજાર ૧૪ કેસ નોંધાયા હતા. ત્યારે ૩૫૨૫ દર્દીઓના મોત થયા હતા. આજના સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા ગઈકાલ કરતા ઓછી છે. મંગળવારે ૩.૩૭ લાખ દર્દીઓ સાજા થયા હતા, જ્યારે આજે માત્ર ૩.૨૪ લાખ દર્દીઓ સાજા થયા છે.
દરરોજ મળી આવતાં દર્દીઓની સંખ્યા મુદ્દે મહારાષ્ટ્ર પછી બે રાજ્યો કર્ણાટક અને કેરળ ભયભીત કરી રહ્યા છે. બુધવારે કર્ણાટકમાં રેકોર્ડ ૫૦ હજાર દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે કેરળમાં પણ૪૧,૯૫૩ લોકો પોઝિટિવ સામે આવ્યા છે.
કોરોનાના કેસમાં સતત ઘટાડા છતાં મહારાષ્ટ્રમાં મોતની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. બુધવારે અહીં ૯૨૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં. સમગ્ર કોરોના સમયગાળા દરમિયાન રાજ્યમાં થયેલા આ બીજા નંબરે સૌથી વધુ મૃત્યુની સંખ્યા છે. આ પહેલા ૨૮ એપ્રિલે ૧૦૩૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૭૨,૬૬૨ લોકોનાં મોત નીપજ્યાં છે. સંક્રમિતોની કુલ સંખ્યા ૪૮.૮૦ લાખ પર પહોંચી ગઈ છે.
ઉત્તરપ્રદેશમાં પણ બુધવારે મોતનો નવો રેકોર્ડ બન્યો. અહીં કોરોનાને કારણે ૩૫૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં ૩૧ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. લખનઉમાં સૌથી વધુ ૩ હજાર લોકો પોઝિટિવ મળી આવ્યા. આ ઉપરાંત મેરઠ, ગૌતમબુધ્ધ નગર, ગાઝિયાબાદ, કાનપુર, સહારનપુર અને ગોરખપુરમાં એક હજારથી વધુ નવા કેસ મળી આવ્યા છે.
સતત વધી રહેલા કેસ વચ્ચે સવાલ ઉઠે છે કે આખરે કોવિડ-૧૯ની બીજી લહેરનો પીક ક્યારે આવશે અને ક્યારે કેસમાં ઘટાડો થવા લાગશે. સરકારના મેથમેટિકલ મોડલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ.વિદ્યાસાગરનું કહેવું છે કે કોરોના વાયરસનો પીક આ અઠવાડિયે પોતાના પીક પર રહી શકે છે અને બીજી લહેરનો પીક ૭મી મેના રોજ થઈ શકે છે. ત્યારબાદ કોવિડ-૧૯ના કેસમાં ઘટાડો જાેવા મળશે.
અહેવાલ મુજબ પ્રો.વિદ્યાસાગરે પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે કોરોના વાયરસને લઈને દરેક રાજ્યમાં સ્થિતિ અલગ અલગ રહેશે અને કોવિડ-૧૯ના પીક પર પહોંચવાનો સમય પણ થોડો અલગ અલગ રહી શકે છે. જાે કે તેમણે કહ્યું કે જે પ્રકારે કોરોના વાયરસના કેસ સમગ્ર દેશમાં વધી રહ્યા છે તે જાેઈએ તો તે તેના પીક પર છે કે અથવા તો તેનાથી ખુબ નજીક છે.
તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી અને સૌથી પહેલા કોરોનાનો પીક પણ અહીં જ આવશે અને સૌથી પહેલા દર્દીઓની સંખ્યા ઘટવાની શરૂઆત પણ અહીંથી થશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની સરહદ સાથે જાેડાયેલા રાજ્યોમાં પણ કોરોનાના આંકડા વધુ રહેશે. જ્યારે જે રાજ્ય મહારાષ્ટ્રથી દૂર હશે ત્યાં પીક ધીરે ધીરે આવશે અને કેસ પણ મોડેથી ઓછા થશે.

