૯૩ વર્ષના દાદીએ જનસેવા માટે જિલ્લા વહીવટી તંત્રને ઓક્સીમિટરનું કર્યું દાન : દાદીના પરિવારજનોએ કુલ રૂ. ૨૦ હજારની આરોગ્યલક્ષી સામગ્રીનું દાન કર્યું
દાહોદ તા.૭
કાળમુખા કોરોનાને હરાવવા માટે દિનરાત મથી રહેલા આરોગ્યસેનાનીઓને ખપમાં આવે એ માટે થઇને દાહોદના ૯૩ વર્ષના વૃદ્ધાને જિલ્લા વહીવટી તંત્રને ત્રણ ઓક્સીમિટરનું દાન કર્યું છે. દાદીના અન્ય પરિવારજનોએ પીપીઇ કિટ્સ, થ્રી લેયર માસ્ક સહિતની રૂ. ૨૦ હજારની આરોગ્યલક્ષી વસ્તુની સખાવત કરી છે.
દાહોદમાં રહેતા ૯૩ વર્ષીય વિલાસબેન નરેન્દ્રભાઇ કોઠારી શિક્ષક તરીકે નિવૃત્ત થયા છે. બહુ નાની વયે પતિને ગુમાવ્યા બાદ એક પુત્રીને પરણાવી મુંબઇ સાસરે મોકલી એ બાદ તેઓ દાહોદમાં તેમના પરિવારજન સાથે રહી રહ્યા છે અને ઘરબેઠા ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ કરે છે. હવે, બન્યું એવું કે, તેમના ભાઇ શશિકાંતભાઇ મણીલાલ દેસાઇ થોડા સમય પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા.
કોરોનાની સારવાર માટે શશિકાંતભાઇને ઝાયડ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમના ઉપર કોઇ સારવાર કારગત ના નીવડતા તેઓ અવસાન પામ્યા હતા. હવે, તેમની સ્મૃતિમાં આરોગ્યસેનાનીઓને ઉપયોગમાં આવે તેવી વસ્તુની સખાવત કરવાની ઘરમાં ચર્ચા ચાલતી હતી. એ ચર્ચા સાંભળીને વિલાસબેને પણ પોતાની અંગત મૂડીમાંથી દાન કરવાની મહેચ્છા દર્શાવી હતી. પરિવારજનોએ તેમની આ મહેચ્છાને વધાવી લીધી હતી અને ત્રણ ઓક્સીમિટર ખરીદ્યા હતા.
આ ઉપરાંત, સ્વ. શશિકાંતભાઇની સ્મૃતિમાં પરિવારજનોએ ૨૦ પીપીઇ કિટ્સ તથા બે હજાર ત્રણ સ્તરીય માસ્કનું દાન કર્યું હતું. આ પરિવારજન વતી શ્રી શેતલભાઇ કોઠારીએ નિવાસી અધિક કલેક્ટર શ્રી મહેશ દવેને આ સખાવત અર્પણ કરી હતી. શ્રી દવેએ તે સ્વીકારી આરોગ્ય વિભાગને મોકલી આપી હતી. આ વેળાએ શ્રી જિજ્ઞેશ બારિઆ પણ ઉપસ્થિત રહ્યા હતા.