કોરોનાગ્રસ્ત માવતર કે વાલીના બાળકોને જિલ્લા બાળ સુરક્ષા એકમ સારસંભાળ લેશે
દાહોદ તા.૧૦
કોરોના સંક્રમણની બીજી લહેરમાં એવું જોવા મળ્યું છે કે, પરિવારના ઘણાં સભ્યોને એક સાથે કોરોના થયો હોય છે પરંતુ બાળકોને કોરોના સંક્રમણ લાગ્યું હોતું નથી. આવા સંજોગોમાં બાળકના માતાપિતા કે વાલી કવોરન્ટાઇન થયા હોય કે દાખલ થયા હોય ત્યારે બાળકોની સંભાળ રાખવાની સમસ્યા થતી હોય છે. દાહોદ જિલ્લાનું બાળ સુરક્ષા એકમ દ્વારા આવી સમસ્યાઓનો સામનો કરતા લોકોને તેમની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે. બાળ સુરક્ષા એકમ દ્વારા આવા બાળકોની સારસંભાળ લેવામાં આવશે. નાગરિકો આ માટે ૧૦૯૮ નંબરથી સંપર્ક કરી શકશે. આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમની રૂમ નં. ૩૧૦, ત્રીજે માળે, જિલ્લા સેવા સદન, છાપરી ખાતેની કચેરીનો સંપર્ક કરી શકશે. આ કચેરીનો ફોન નં. ૦૨૬૭૪-૨૩૯૦૨૦ ઉપર પણ સંપર્ક કરી મદદ મેળવી શકાશે.