સતત બીજા દિવસે કોરોના પોઝિટિવ દૈનિક કેસોમાં રાહત : છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક ૪૨૦૫ લોકોના મોત : દેશભરમાં નવા ૩.૪૮ લાખ પોઝિટિવ કેસ નોંધાયા, ૩.૫૫ લાખ સ્વસ્થ થયા, કુલ મૃત્યુઆંક ૨,૫૪,૧૯૭એ પહોંચ્યો : અત્યાર સુધી દેશમાં ૧૭,૫૨,૩૫,૯૯૯ લોકોને વેક્સિન આપી સુરક્ષિત કરી દેવાયા
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૨
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર મચાવી રહી છે. દેશભરમાંથી જે મોતના આંકડા આવી રહ્યા છે તે ખરેખર ડરામણા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૩.૪૮ લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ મોટો ઉછાળો જાેવા મળ્યો છે. એક દિવસમાં ૪૨૦૦થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૩,૪૮,૪૨૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૨,૩૩,૪૦,૯૩૮ પર પહોંચી ગયો છે. જેમાંથી ૧,૯૩,૮૨,૬૪૨ દર્દીઓ રિકવર થયા છે. જેમાંથી ૩,૫૫,૩૩૮ દર્દીઓ છેલ્લા ૨૪ કલાકમાં રિકવર થયા છે. જાે કે હજુ પણ દેશમાં ૩૭,૦૪,૦૯૯ એક્ટિવ કેસ છે. એક દિવસમાં ૪૨૦૫ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો ૨,૫૪,૧૯૭ પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૭,૫૨,૩૫,૯૯૧ લોકોને રસી આપવામાં આવી છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનાના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાં ૧૯,૮૩,૮૦૪ જેટલા કોરોનાના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ કરાયેલા ટેસ્ટનો આંકડો ૩૦,૭૫,૮૩,૯૯૧ પર પહોંચ્યો છે.
આ બાજુ કેન્દ્રે સુપ્રીમ કોર્ટ સમક્ષ રસી વિતરણ માટે એક ફોમ્ર્યૂલા રજુ કર્યો છે જે મુજબ રાજ્ય સરકારોને ૧૮થી ૪૪ વર્ષની આયુવાળા વર્ગની વસ્તી માટે મેમાં રસીના લગભગ ૨ કરોડ ડોઝ આપવામાં આવશે. સરકારે એમ પણ કહ્યું કે આ મહિને રસીના ૮.૫ કરોડ ડોઝ તૈયાર થવાની આશા છે.
કેન્દ્રએ કહ્યું કે તેણે રાજ્યોને ૮.૫ કરોડ ડોઝનો સપ્લાય કરવા માટે કોટા નક્કી કરી લીધો છે. રાજ્યોને આ કોટા મુજબ રસી નિર્માતાઓ પાસેથી પોતે જ ડોઝ ખરીદવા પડશે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ ઉપલબ્ધ ૨ કરોડ ડોઝ રાજ્યોમાં ૧૮ થી ૪૪ વર્ષના લોકોની સંખ્યાના આધારે મોકલવામાં આવશે. જેથી કરીને બધાને સમાન રીતે ડોઝ મળી શકે. કારણ કે કેટલાક રાજ્યોએ ફરિયાદ કરી છે કે તેમને ઓછા પ્રમાણમાં રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે.