સ્ટેટ મોનિટરિંગ સેલે લીમખેડાના બૂટલેગર માટે લવાતો 4.19 લાખનો દારૂ ઝડપી પાડ્યો
સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમી મળતાં દાહોદ જિલ્લાના બોરવાણી ખોવડા ગામની સીમ વચ્ચેથી લીમખેડા તરફના કાચા રસ્તા ઉપરથી પાયલોટીંગ કરી પીકઅપ ડાલામાં લઇ જવાતો 4.19 લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો હતો.દારૂ તથા પીકઅપ અને એક મોબાઇલ મળી કુલ 7.19 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ લોકો સામે દાહોદ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરને દાહોદ જિલ્લાના લીમખેડાનો સંજય લાબા નામનો બુટલેગર મધ્યપ્રદેશના માંડલીના ઠોકા ઉપરથી મળતીયાઓ મારફતે દારૂનો જથ્થો અલગ અલગ વાહનોમાં મંગાવી રાત્રે ખરોદા થઇ ઝાલોદ લીમડી હાઇવે ઉપરથી અંતરીયાળ ગામના કાચા રસ્તે થઇ લીમખડા જવાની બાતમી મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ. એસ.એમ. સીન્ધી તથા સ્ટાફ અને એસ.આર.પી. ગ્રુપના જવાનોને સાથે રાખી બોરવાણી ખોવડાની સીમ વચ્ચેથી લીમખેડા તરફના કાચા રસ્તા ઉપર રાત્રીના અંધારામાં વોચમાં ઉભા હતા.
ત્યારે કાચા નાળીયામાં ફોર વ્હીલરની લાઇટો દેખાતા પેટ્રોલીંગ વાળી ગાડી આવતાં તેને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે પોતાનું વાહન ઉભુ નહી રાખી પુરઝડપે હંકારી ભગાવી મુકી હતી. પાછળ આવતા બીજા બે વાહનોના ચાલકે પોતાના વાહનો ઉભા રાખી રીવર્સમાં હંકારતાં પોલીસ સ્ટાફે દોડીને લાકડીઓથી રોકવાનો પ્રયાસ કરતાં મહેન્દ્ર પીકઅપ ડાલાનો ડ્રાઇવર અંધારામાં નાસી ગયો હતો. ત્રીજા વાહન સ્કોરપીઓના ચાલકે યુટર્ન મારી બંમધ લાઇટોમાં પાછો વળી ગયો હતો.
પીકઅપ ડાલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓ જેમાં વિદેશી દારૂનીની કુલ 5994 બોટલો જેની કિંમત રૂા.4,19,400નો જથ્થો મળી આવ્યો હતો. જથ્થો તથા ગાડીમાંથી એક 500ની કિંમતનો એક મોબાઇલ તથા 3,00,000 રૂ.ની વાહન મળી કુલ 7,19,900 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલા પીકઅપ ડારાના ડ્રાઇવર, પાયલોટિંગ ગાડીના ડ્રાઇવર, સ્કોર્પિઓ ગાડીના ડ્રાઇવર તથા લીમખેડાના સંજય લાબાના નામના બુટલેગર અને મધ્યપ્રદેશના દારૂનો જથ્થો આપરનાર ઠેકેદાર મળી કુલ પાંચ લોકો સામે દાહોદ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.