પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં એનએફએસએ હેઠળના રાશનકાર્ડ ધારકોને નિ:શુલ્ક અનાજ વિતરણ : દાહોદના એનએફએસએ રેશનકાર્ડ ધરાવતા ૨૬૩૪૫૮ કુંટુંબો સુધી અનાજ પહોંચશે : અત્યાર સુધીમાં ૧૪૦૭૭૩ કુંટુંબો સુધી મે અને જુન માસ માટેનું પાંચ કિલો રાશન પહોંચયું


કોરોનાની બીજી લહેરમાં આંશિક લોકડાઉનને કારણે ધંધા રોજગાર પર અસર થઇ રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં ગત તા. ૧૧ મે થી નેશનલ ફૂડ સેફટી એક્ટ હેઠળના રાશનકાર્ડ ધારકોને નિ:શુલ્ક અનાજ પહોંચતુ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મે અને જુન માસ માટે પાંચ કિલો અનાજ આપવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧.૪૦ લાખ કરતા વધુ રાશનકાર્ડ ધારક કુંટુંબોએ આ રાશન મેળવ્યું છે. મે મહિનાના અંત સુધીમાં ૨,૬૩,૪૫૮ રેશનકાર્ડ ધરાવતા કુંટુંબોને એટલે કે જિલ્લાના ૧૪,૮૭,૯૮૯ લોકોને આ યોજનાનો સીધો લાભ આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત એનએફએસએ રેશનકાર્ડ ધરાવતા કુંટુંબોને વ્યક્તિદીઠ ૫ કિલો અનાજ નિ:શુલ્ક આપવામાં આવી રહ્યું છે. જેમાં ૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલો ચોખા આપવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ૧,૪૦,૭૭૩ કુંટુંબો સુધી આ અનાજ પહોંચતું કરવામાં આવ્યું છે અને મે મહિનાના અંત સુધીમાં ૨૬૩૪૫૮ કુંટુંબો સુધી બે મહિનાનું અનાજ પહોંચશે.
આ ઉપરાંત અંત્યોદય કુંટુંબોને ૨૫ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા, ૧ કિગ્રા તુવેરદાળ, ૧ કિલો ખાંડ જેમાં ૩ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને ૩ થી વધુ વ્યક્તિ દીઠ ૩૫૦ ગ્રામ રાહત દરે આપવામાં આવી રહી છે. ૧ કિલો આયોડાઇઝ મીઠું ૬ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને ૬ થી વધુ વ્યક્તિ હોય તો ર કિલો કાર્ડ દીઠ રાહત દરે ફાળવવામાં આવે છે. જયારે અગ્રતા ધરાવતા કુંટુંબને વ્યક્તિ દીઠ ૩.૫૦ કિલો ઘઉં, ૧.૫૦ કિલો ચોખા અને કાર્ડ દીઠ ૧ કિલો તુવેરદાળ રાહત દરે આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ બીપીએલ કાર્ડ ધારક કુંટુંબોને વ્યક્તિદીઠ ૩૫૦ ગ્રામ ખાંડ અને ૧ કિલો આયોડાઇઝ મીઠું ૬ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને ૬ થી વધુ વ્યક્તિ હોય તો ર કિલો કાર્ડ દીઠ રાહત દરે ફાળવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ ૭૨૬૨૧ અંત્યોદય અને ૧૯૦૮૪૬ અગ્રતા ધરાવતા કુંટુંબો એમ કુલ ૨૬૩૪૫૮ નેશનલ ફૂડ સેફટી એક્ટ અન્વયેના રેશનકાર્ડ ધરાવતા કુંટુંબો છે જેમને આ મે મહિનાના અંત સુધીમાં મે અને જુન એમ બે માસ માટેનું રાશન નિ:શુલ્ક આપવામાં આવશે.
વ્યાજબી ભાવની દુકાનેથી આ અનાજ વિતરણ કોવીડ પ્રોટોકોલ મુજબ કરવામાં આવી રહ્યું છે. દુકાને કોઇ પણ પ્રકારની ભીડ ન થાય એ માટે અગાઉથી ટોકનની ફાળવણી કરવામાં આવે છે અને નિયત વ્યવસ્થા જાળવીને જ અનાજ વિતરણ કરવામાં આવે છે. દુકાને સેનિટાઇઝર, હેન્ડવોશ કે સાબુની વ્યવસ્થા કરવામાં આવી છે અને સામાજિક અંતરના પાલન સાથે જ લાભાર્થીઓને રાશન આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!