દેવગઢ બારીઆના ભુવાલ ગામે આડા સંબંધના વહેમમાં પતિએ એકને મોતને ઘાટ ઉતાર્યાે
દાહોદ તા.૨૧
દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે પત્નિ સાથે આડા સંબંધના ખોટા શક વહેમમાં પતિએ ગામમાંજ રહેતા એક યુવકને ગળાના ભાગે કોઈ હથીયારથી ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે લાશનો કબજાે મેળવી નજીકના દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને આરોપીના ધરપકડાના ચક્રોગતિમાન કરી દીધા છે.
ભુવાલ ગામે રહેતો પ્રવિણભાઈ ગોપસીંગભાઈ પટેલે પોતાની પત્નિ સાથે ગામમાંજ રહેતો ૨૬ વર્ષીય બુધાભાઈ મગનભાઈ પટેલનો આડો સંબંધ હોવાનો ખોટા શક, વહેમ રાખતો હતો ત્યારે ગત તા.૨૦મી મેના રોજ પ્રવિણભાઈએ બુધાભાઈને ગળાના ભાગે કોઈ ધારદાર હથિયાર ફેરવી દઈ ઘટના સ્થળ પર મોતને ઘાટ ઉતારી દેતાં લોહીથી લથબથ હાલતમાં બુધાભાઈ સ્થળ પરજ ઢળી પડ્યાં હતાં અને મોતને ભેટ્યાં હતાં. ઘટનાને અંજામ આપી પ્રવિણભાઈ નાસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઘટનાને પગલે યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ સંબંધે મૃતક બુધાભાઈના પિતા મગનભાઈ ભુરાભાઈ પટેલે પ્રવિણભાઈ ગોપસીંગભાઈ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.