ઉ.પ્રદેશના લલૌલીમાં એક મહિનામાં રહસ્યમયી તાવના કારણે ૧૦૦થી વધુના મોત
(જી.એન.એસ.)ફતેહપુર,તા.૨૨
દેશના સૌથી પછાત જિલ્લામાં સામેલ ફતેહપુર પર ‘રહસ્યમયી તાવ’ કહેર બનીને તૂટી પડ્યો છે. યમુનાને અડીને આવેલા ગામ લલૌલીમાં છેલ્લાં એક મહિનામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા. ગામના ૧૦ કબ્રસ્તાનોમાં તેમને દફનાવામાં આવ્યા છે. ગ્રામીણોનું કહેવું છે કે મોતોનું કારણ ખૂબ તાવ અને શ્વાસ ચઢતો હતો. કોઇને કોઇ સારવાર મળી નથી. ૨૩મી એપ્રિલના રોજ સૌથી વધુ ૭ લોકોના મોતથી કસ્બેનુમા આ ગામ ફફડી ઉઠયું હતું.
ફતેહપુર જિલ્લામાં ૨૬ એપ્રિલના રોજ પંચાયત ચૂંટણી માટે મતદાન થવાનું હતું. જિલ્લાના બાકી વિસ્તારોની જેમ અહીં પણ પ્રચારની સાથે સંક્રમણનો ગ્રાફ વધી રહ્યો હતો. જિલ્લા મુખ્યાલયથી ૩૫ કિલોમીટર દૂર બાંદા હાઇવેના કિનારે વસેલા લલૌલી ગ્રામ સભામાં શરદી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફના કેસ વધ્યા.
ગામના નવા નિમાયેલા પ્રધાન શમીમ અહમદના મતે ૧૦ એપ્રિલના રોજ પહેલાં દર્દીનું મોત થયું. લોકોએ શરદી અને તાવના કેસ માની નજરઅંદાજ કરી દીધા પરંતુ કેસ વધતા રહ્યા. ત્યારબાદ દરરોજ ૧-૨ લોકોના આ લક્ષણોની સાથે મોત થવા લાગ્યા. તેમણે કહ્યું કે ૨૩મી એપ્રિલનો દિવસ ગામ માટે ડરામણ હતો. ૭ લોકોનો જનાજાે નીકળ્યો. ૫૦ હજારની વસતી ધરાવતું ગામ ફફડી ગયું. એક કબ્રસ્તાનમાં તો ૩૦ મૃતદેહો દફનાવી દીધા.
ગામના સૂફિયાન કહે છે કે ૧૦ દિવસમાં તેમના પરિવારના ૪ લોકોએ દમ તોડી દીધો. કોઇને કોઇ સારવાર મળી શકી નથી. તેઓ પોતે પણ બીમાર થયા. ઉકાળો પીને લાંબા સંઘર્ષ બાદ તેમની તબિયત સારી થઇ. ફૈજાન કહે છે કે તેમના ચાચાને ગળામાં ખરાશ અને શ્વાસમાં તકલીફ બાદ મોત થયા હતા. પરંતુ ટેસ્ટ ના થતા બીમારી અંગે ખબર ના પડી.
ગામમાં ‘રહસ્યમયી તાવ’થી છેલ્લું મોત ૧૩મી મેના રોજ થયું. તાવ અને શ્વાસ ચઢતા ગુલામ હુસૈનના પત્ની બિસ્મિલ્લાહનું મોત થયું. શકીલનું કહેવું છે કે લોકોમાં જાગૃતિની જબરદસ્ત કમી છે. કેટલાંય લોકોએ કોરોનાના ખતરાને હવામાં ઉડાવી દેતા આવી સ્થિતિ થઇ.
ફતેહપુરના ડીએમ અપૂર્વા દુબે એ કહ્યું કે લલૌલીમાં થોડાંક દિવસમાં બીમારીથી કેટલાંક લોકોના મોતના માહિતી મળી છે. એસડીએમને તપાસ માટે મોકલી છે. રિપોર્ટ બાદ મોતનું કારણ ખબર પડશે. તો લલૌલીના નવા નિમાયેલા પ્રધાન શમીમનું કહેવું છે કે ગામમાં તાવ અને શ્વાસ ચઢતા એક મહિનામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. ગ્રામીણોનું કહેવું છે કે મોતનું કારણ કોવિડ છે.